વાઇબ્રન્ટ સમિટ અનિશ્ચિતતા ભણી છતાં સરકાર તૈયારીમાં ગળાડૂબ


સચિવાલયના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે

કોરોના કેસોમાં બમણો વધારો થતાં સમિટનું આયોજન કેવી રીતે કરવું અને કેવા નિયંત્રણો રાખવા તે અંગે કેબિનેટમાં ચર્ચા થશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં 24 કલાકમાં બમણો વધારો થતો હોવાથી સરકારને તેના ભાવિ આયોજનોની ઉજવણી માટે ચિંતા ઉભી થઇ છે. ખાસ કરીને 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પર કોરોના સંક્રમણનું જોખમ તોળાઇ રહ્યું છે તેમ છતાં સરકાર સમિટની તૈયારીમાં આજે પણ ગળાડૂબ છે.

જૂના સચિવાલય અને નવા સચિવાલયમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ અને તેમના મંડળોના હોદ્દેદારો વાયબ્રન્ટ સમિટનો વિરોધ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે સરકારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વાયબ્રન્ટ સમિટ રદ્દ કરવી જોઇએ, કેમ કે આ સમિટમાં વિદેશમાં આવનારા ડેલિગેટ્સના કારણે સ્થાનિક લોકોમાં ઝડપથી સંક્રમણ ફેલાવાની દહેશત છે.

એક કર્મચારી આગેવાને કહ્યું હતું કે અમે આ સમિટનો જાહેરમાં વિરોધ કરી શકતા નથી પરંતુ અમારા કર્મચારી મિત્રોની એવી લાગણી છે કે મહામારીની ત્રીજી લહેર આવી રહી છે ત્યારે આ સમિટને રદ્દ કરવી જોઇએ અથવા તો મર્યાદિત કરી દેવી જોઇએ. સરકારને જો સમિટ યોજવી હોય તો વર્ચ્યુઅલ કરી શકે છે.

બીજી તરફ કેસોમાં બમણા વધારા વચ્ચે રાજ્ય મંત્રીમંડળની બેઠક આવતીકાલે સાંજે યોજાઇ રહી છે જેમાં કોરોના અને વાયબ્રન્ટ સમિટ અંગે ઉચ્ચ અધિકારીઓ તેમજ કેબિનેટના મંત્રીઓ વચ્ચે ચર્ચા થશે. સમિટનું આયોજન કેવી રીતે કરવું કે તેમાં કેવા નિયંત્રણો રાખવા તે અંગે મુખ્યમંત્રી  અને ચીફ સેક્રેટરી માર્ગદર્શન આપશે.

જો કે વાયબ્રન્ટ સમિટની તૈયારીઓના એક પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તે જોતાં સરકાર હજી વાયબ્રન્ટ સમિટ યોજાય તેવી ઇચ્છા રાખી રહી છે. જો કે સરકાર તેનું સ્વરૂપ બદલીને વર્ચ્યુઅલ સમિટ તરફ પણ આગળ વધી શકાય છે કે કેમ તેની શક્યતા તપાસી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ey8z1G
via IFTTT

Post a Comment

أحدث أقدم