
ડિવોર્સ પેપર અને સામાન કુરિયર કર્યાં !
નાગપુરની યુવતી સમાધાનના પ્રયાસ પછી અમદાવાદમાં નોકરી કરવા આવતાં પતિના બીજા લગ્નની ખબર પડી
અમદાવાદ : તીન તલાકના કિસ્સાથી પણ વધી જાય તેવા કિસ્સામાં પતિએ વોટ્સ-એપથી પત્નીને કહી દીધું હતું કે, આપણે સાથે નહીં રહી શકીએ. આ પછી ડિવોર્સ પેપર અને સામાન કુરિયર કરી દીધાં હતાં.
પરંતુ, પરિણીતાએ તે સ્વિકારવાના બદલે સમાધાનના પ્રયાસ કર્યા હતા. નાગપુરની યુવતી અમદાવાદમાં નોકરી કરવા આવી ત્યારે પતિએ બીજા લગ્ન કરી લીધાની જાણ થતાં મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.
ચાંદખેડામાં રહેતા અને ખાનગી નોકરી કરતાં દિપાશ્રીબહેનના લગ્ન નાગપુર ખાતે નવનીત કાલબાંડે સાથે વર્ષ 2018માં થયા હતા. સંયુક્ત પરિવારમાં એક મહીનો સારી રીતે રાખ્યા પછી ગેરવર્તાવ કરવામાં આવતો હતો.
જુન-2019માં દિપાશ્રીબહેન પિયરમાં ગયા હતા તેના ત્રીજા દિવસે પતિએ વોટ્સ-એપથી કહ્યું હતું કે, હવે આપણે સાથે નહી ંરહી શકીએ. ડિવોર્સ પેપર્સ અને તારો સામાન કુરિયર કરૂં છું અને દાગીના સરોજ સાથે મોકલાવું છું.
દિપાશ્રીએ પોતે કુરિયરનો સામાન સ્વિકારશે નહીં તેવી વાત કરી હતી. વીસેક દિવસ પછી કુરિયર ઓફિસમાંથી સામાન ડિલીવરીનો મેસેજ આવતાં દિપાશ્રીએ પતિને ફોન કર્યો હતો અને સામાન બીજે મોકલી દીધો હોવાથી પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી.
પતિએ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર તેવી વાત કરી હતી. દિપાશ્રીએ કુરિયરના ગોડાઉન ઓફિસે તપાસ કરતાં સામાન તેમના નણંદ સરોજબહેન લઈ ગયાનું જણાયું હતું. સાસરી અને પિયરમાંથી મળેલા દાગીના સાસરીમાં જ છે.
દિપાશ્રીએ સામાન બાબતે નાગપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં કુરિયર બોયે જણાવ્યું હતું કે, સામાન મોકલનાર નવનીતે જ સામાન તેમના બહેન લઈ જશે તેમ જણાવ્યું હતું. આ પછી દિપાશ્રીએ સાસરીમાં આવીને વાત કરવા પ્રયાસ કર્યો પણ સરખો જવાબ અપાયો નહોતો.
દિપાશ્રીને જાન્યુઆરી-2020માં અમદાવાદમાં નોકરી મળી હતી. પતિ સાથે સમાધાન માટે સમય મળશે તેમ માની અમદાવાદ આવેલા દિપાશ્રીબહેનને ખબર પડી હતી કે, પતિએ બીજા લગ્ન કરી લીધા છે. આખરે, દિપાશ્રીબહેને છૂટાછેડા મેળવવા માટે ત્રાસ આપતા પતિ, સાસરિયા સામે મહિલા વેસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3H1v9MA
via IFTTT
Post a Comment