અમદાવાદ,તા.17 ડિસેમ્બર 2021,શુક્રવાર
ઓઢવ ફાયર બ્રિગેડની પાસેથી પસાર થતા તૂટી ગયેલા રોડની જગ્યાએ નવો આરસીસીનો રોડ બનાવી દેવામાં આવ્યો છે. જેને લઇને જીઆઇડીસી તરફ જતા વાહનચાલકોને મોટી રાહત મળી જશે. વર્ષોથી આ રોડ બિસ્માર હતો જે હવે બંને તરફ પાકો બની જતા ચોમાસામાં પાણી ભરાવાની, કાદવ-કિચડ થવાની તેમજ વારંવાર ગટરો ઉભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે.
ઓઢવ ફાયરબ્રિગેડ ખાડાવાળી જગ્યામાં બનેલું છે, દર ચોમાસામાં કેડસમા પાણી ભરાઇ જતા હોય છે. આ સંજોગોમાં ફાયરબ્રિગ્રેડના વાહનો રેસ્ક્યું ઓપરેશન માટે દોડાવવા મુશ્કેલ બને છે તેમજ ફાયર સ્ટાફ ક્વાટર્સમાં રહેતા લોકો માટે તો કેડસમાં પાણીમાંથી અને કાદાવ-કિચડમાંથી ઘરની બહાર નીકળવું પણ અતિ મુશ્કેલ બની જાય છે. તેઓ ઘરમાં જ કેદી બનીને રહી જતા હોય છે.
બીજી તરફ ફાયર સ્ટેશનની બાજુમાં જ મ્યુનિ.વોર્ડ ઓફિસ આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો સરકારી કામો માટે આવતા હોય છે તેઓને પણ ચોમાસામાં હાલાકી ભોગવવી પડતી હોય છે. ફાયરના સ્ટાફ, મ્યુનિ.સ્ટાફ માટે ઓફિસે આવવું યાતનાસભર રહેતું હતું.
ઓઢવ જીઆઇડીસીમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, હજારો કારીગરોની દૈનિક અવર-જવર રહેતી હોય છે. આ સંજોગોમાં આ નવો બનાવવામાં આવેલી આરસીસી રોડ તમામ લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થશે. આ રોડ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ત્યાં વારંવાર ગટરો બેક મારવાની સમસ્યા સર્જાતી હતી.
હવે રોડ ઉંચો બની જતા તેમજ ગટરોનું લેવલ પણ ઉંચુ થતા આ પટ્ટામાં ગટરો ઉભરાવાની તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત આવી જશે તેવી આશા સ્થાનિક લોકો રાખી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3IY0Nw4
via IFTTT
إرسال تعليق