'પેપર ફુટયું નથી, ફોડયું છે, અમારા સંતાનોને નોકરી આપવી કેવી રીતે !'


- મોક વિધાનસભા યોજી સરકારની ફિરકી ઉતારી

- મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો, અમારા પ્રદેશ પ્રમુખે કહ્યુંછેકે, કાર્યકરોને નોકરી આપો એટલે પેપર તો ફોડવા જ પડેને..

- વિપક્ષે હોબાળા કરતાં ગૃહમંત્રી ઉકળ્યા, આસિત વોરાને કંઇ થવાનું નથી, એક વાર નહીં, આઠ વાર પ્રશ્નપત્ર ફુટયા છે

અમદાવાદ : પેપરલીક કૌભાંડ બાદ ભાજપ સરકાર ભીંસમાં આવી છે. રાજકીય પક્ષો દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. માણસામાં એક ખાનગી ફાર્મમાં મોક વિધાનસભા યોજી કોંગ્રેસે  પેપરલીક કૌભાંડનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, સરકાર પર રાજકીય કટાક્ષનો મારો ચલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોક વિધાનસભામાં પેપરલીક કૌભાંડ મુદદે વિપક્ષે હોબાળો કરતાં મુખ્યમંત્રી બનેલાં કોંગ્રેસના ધારાસભ્યએ ટિખળ સ્વરુપે એવો જવાબ આપ્યો કે,પેપર ફુટયુ નથી, અમે જ ફોડયુ છે.અમારા સંતાનો ભણવામાં હોશિયાર નથી એટલે એમને નોકરી આપવી કેવી રીતે...એટલે આવુ કરવુ જ પડે...

આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવા મોક વિધાનસભાનું આયોજન કરાયુ હતું જેમાં પેપરલીક કૌભાંડના મુદ્દો ગાજયો હતો. મોક વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિત અન્ય ધારાસભ્યોએ એવો મુદ્દો ઉપસ્થિત કર્યો કે, જેલવાસ ભોગવી ચૂકેલાં સૂર્યા ઓફસેટના માલિકને હેડકલાર્કની પરીક્ષાના પ્રશ્નપત્ર છાપવાનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો ત્યારે શિક્ષણમંત્રી બનેલાં ધારાસભ્ય કિરીટ પટેલે કટાક્ષભર્યો જવાબ આપ્યોકે, ભાજપ-આરએસએસ સાથે સંબધો છે એટલે.અમારે તો ઉપરથી  જે સૂચના મળે તે જ કરવાનુ ભાઇ.. આ સાંભળીને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તે વખતે મુખ્યમંત્રી બનેલા શૈલેષ પરમારે કહ્યું કે, અમારા પ્રદેશ પ્રમુખે કહ્યુ કે, કાર્યકરોને નોકરી આપો એટલે પેપર તો ફોડવા જ પડેને..અમારા સંતાનો ઠોઠ છે.પરીક્ષાની તૈયારી કરીને પાસ થાય તેવા નથી એટલે આવુ કરવુ પડે...આટલુ કહેતાં હાસ્યની છોળો ઉડી હતી. 

આ દરમિયાન વિપક્ષે શિક્ષણ મંત્રીને દૂર કરો તેવા સૂત્રો પોકાર્યા હતા. વિપક્ષના ધારાસભ્યએ એવો આરોપ મૂક્યો કે, પ્રશ્નપત્ર ફુટવા એ નવાઇ નથી. ખુદ શિક્ષણમંત્રીનો પુત્ર પણ પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો છે. આટલું કહેતાં શિક્ષણમંત્રી બનેલાં ધારાસભ્ય કિરીટ પટેલ બોલ્યાં,ભાઇ, તમે મારા પુત્ર પાછળ કેમ પડયા છો. આ તો મારુ પકડાયુ એટલે.બાકી તો...ત્યાં વળી ફરી વિપક્ષના ધારાસભ્યો હંગામો મચાવ્યો ત્યારે  ગૃહમંત્રી ઉકળ્યા હતાં.  મોક વિધાનસભામાં ગૃહમંત્રી બનેલાં કોગ્રેસી નેતા બોલ્યાં કે, આસિત વોરાને કઇ થવાનુ નથી. એક વાર નહીં, આઠ વાર પ્રશ્નપત્ર ફુટયા છે. નાની માછલીઓને કોઇપણ ભોગે નહી છોડાય.ભલે મોટા મગરમચ્છ છટકી જાય.. 

છેલ્લે ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારની ફિરકી ઉતારતાં એવો જવાબ આપ્યો કે,૨૭ વર્ષથી અમારી સરકાર છે.આવુ જ ચાલવાનુ, સાંભળો વિપક્ષના ધારાસભ્યો,આટલુ કરવા છતાંય પ્રજા ખોબલે ને ખોબલે મત આપે છેને...તમારા હોબાળાથી કઇ થવાનુ નથી.

આમ,. મોક વિધાનસભાના માધ્યમથી કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FFouYd
via IFTTT

Post a Comment

أحدث أقدم