અમદાવાદ જિલ્લામાં વાદળછાયું વાતાવારણ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો


આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ શક્યતા

વિરમગામ, સાણંદ, માંડલ, ધોળકા, ચાંગોદર સહિતના અનેક સ્થળે બે દિવસ કમોસમી વરસાદની આગાહી 

અમદાવાદ : જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઇ જવાના પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. સાણંદ, માંડલ, ધોળકા, ચાંગોદર અને વિરમગામ સહિતના અનેક સ્થળો આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. માવઠાની સંભાવનાને પગલે વિરમગામ માર્કેટ યાર્ડ સહિતના કેટલાક માર્કેટયાર્ડોમાં આગામી બે દિવસ સુધી હરાજી બંધ રાખવામાં આવી છે. હવામાનમાં ફેરફારને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

જિલ્લામાં વિરમગામ પંથક સહિતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળ છાયું માહોલ છવાતા ખેડુતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે ૧ લી અને ૨જી ડીસેમ્બરના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. વાતાવરણ બદલાતા અગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સવારે સૂર્યપ્રકાશના સ્થાને વાદળની ઘેરાબંધીને લઇને કમોસમી વરસાદ પડવાનો માહોલ રચાયો છે. આગામી બે દિવસ સુધી ચાંગોદર, ધોળકા, માંડલ, નળસરોવર, બાવળા, દેત્રોજ, ધોલેરા, દેત્રોજ-રામપુરા સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. મંગળવારથી વાદળા ઘેરાયા હતા. 

હવામાન વિભાગે બે દિવસ પવનના સુસવાટા સાથે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે પંથકમાં મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી અને લઘુત્તમ ૧૭.૭ ડીગ્રી નોંધાયું છે. ભેજના ૭૧ ટકા અને પ્રતિ કલાકે પવનની ઝડપ ૧૪ કીમીની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન વાદળને લઇને વાતાવરણમાં અચાનક પલટાવો આવ્યો છે. ત્યારે માવઠાને કારણે અગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેમ નિષ્ણાંતોએ જણાવ્યુ છે. માવઠાની સંભવીત શક્યતાને લઇને રવિપાકો, જીરૂ, રાઇ, બીનપીયત ઘઉં, ચણા, શાકભાજી ને અસર પહોંચશે તદ્ઉપરાંત ખરીફ પાકોને પણ અસર પહોંચવાની શક્યતાઓ સેવાઇ રહી હોય.ખેડુતોમાં ચિંતા વ્યાપી છે.

વિરમગામ માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ રહેશે

ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે વિરમગામ માર્કેટ યાર્ડમાં ૧લી અને ૨જી ડિસેમ્બરના રોજ હરાજીનું તમામ કામકાજ બંધ રાખવાનું ચેરમેને જણાવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતો અને વેપારીઓને માર્કેટયાર્ડ અને ખુલ્લા મેદાનમાં પડેલો ખેતીનો પાકો ઢાંકીને રાખવા જણાવ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xSsOQN
via IFTTT

Post a Comment

Previous Post Next Post