
- રાજ્યના શિક્ષણ બોર્ડે જાહેરાત કરી
- કોરોનાના કારણે વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળી રહે તે માટે ધો.9 અને 11ની પરીક્ષા પણ બે સપ્તાહ પછી લેવાશે
ગાંધીનગર : કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્ય સરકારે ધોરણ-૯ થી ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષા તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓની તારીખ પાછળ ઠેલી છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ જાહેરાત કરી છે.
રાજ્યમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ થી ધોરણ-૧૧ની પરીક્ષાઓ બે સપ્તાહ સુધી પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિભાગના નિર્ણય પ્રમાણે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ હવે ૧૪મી માર્ચની જગ્યાએ ૨૮મી માર્ચથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે ૩૨ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો સાનુકૂળ સમય મળશે.
પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા ૨૭મી જાન્યુઆરીના બદલે ૧૦મી ફેબ્રુઆરી કરવામાં આવી છે. બોર્ડના વિષયોની સૈદ્ધાતિક પરીક્ષા ૯મી ફેબ્રુઆરીના સ્થાને ૨૪મી ફેબ્રુઆરીએ લેવાશે. ધોરણ-૧૨ના વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ૧૪મી ફેબ્રુઆરીના સ્થાને બીજી માર્ચથી લેવાશે જ્યારે ઉનાળુ વેકેશન બીજી મે થી ૫ જૂનના બદલે ૯મી મે થી ૧૨મી જૂન રહેશે અને નવું શૈક્ષણિક સત્ર ૬ જૂનના બદલે ૧૩મી જૂનથી શરૂ થશે.
વિભાગે જણાવ્યું છે કે ધોરણ-૯ થી ધોરણ-૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ જે ૧૧મી એપ્રિલથી શરૂ થવાની હતી તેને બદલે ૨૧મી એપ્રિલથી શરૂ કરાશે અને આ પરીક્ષાઓ ૨૧મી એપ્રિલના સ્થાને ૩૦મી એપ્રિલ સુધી ચાલશે. કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં રાજ્યમાં ૧૫મી જુલાઇથી ધોરણ-૧૨ અને ૨૬મી જુલાઇથી ધોરણ-૯ થી ધોરણ-૧૧ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગના નિર્ણય પાછળનું કારણ એવું છે કે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય અને વિદ્યાર્થીઓને બોર્ડ તેમજ સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓમાં તૈયારી કરવાનો સમય મળી રહે તે માટે પરીક્ષાના તારીખોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને બે સપ્તાહ સુધી લંબાવવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mr8PnD
via IFTTT
Post a Comment