
સોનલ સિનેમા રોડ પર અલી રઝા કોમ્પલેક્સમાં કાર્યવાહી
લેન્ડ ગ્રેબિંગ કેસમાં 'પાસા'તળે ભૂજ જેલમાં મોકલાયેલા નઝીર વોરા સામે ત્રણેક ડઝન ગુના છે : પાંચ ગેરકાયદે બાંધકામ મ્યુનિ.એ તોડયા
અમદાવાદ : જુહાપુરાના નામચીન નઝીર વોરાએ ગેરકાયદે બાંધેલા ગેમીંગ ઝોન અને જીમને આજે મ્યુનિ. તંત્રએ તોડી પાડયા હતા. પોલીસે એવી વિગતો જાહેર કરી છે કે, લેન્ડ ગ્રેબિંગ કેસમાં અઠવાડિયા પહેલાં જ નઝીર વોરાને ભૂજની પાલારા જેલમાં પાસાતળે મોકલી અપાયો હતો. હવે મ્યુનિ. તંત્રએ સોનલ સિનેમા રોડ ઉપર આવેલા અલી રઝા કોમ્પલેક્સમાં નઝીર વોરાએ ગેરકાયદે બાંધેલા જીમ અને ગેમ ઝોનને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડયા છે.
વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત ગુનેગાર નઝીર વોરાના કોમ્પ્લેક્સના ધાબામાં ગેરકાયદેસર રીતે જીમ અને ગેમ ઝોન બાંધવામાં આવ્યા હતા તેને મ્યુનિ. તંત્રએ સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડયા છે.
નઝીર વોરા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ સહિતની કાર્યવાહી કર્યા પછી ગત અઠવાડિયે પાસા તળે કાર્યવાહી કરવામાં આવી હતી. નઝીરને લેન્ડ ગ્રેબિંગના ગુના પછી પાસાના કાયદા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. એમ ડીવિઝન એસીપી વી.જી. પટેલે જણાવ્યું હતું કે, નઝીર સામે સરકારી મિલકત પચાવી પાડવાના ગુના નોંધાયેલાં છે.
આ અગાઉ બે માળનું કોમ્પલેક્સ અને 22થી 24 દુકાન મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડી હતી. નઝીર વોરાએ ગેરકાયદે બાંધેલા બે કોમ્પલેક્સ, એક રહેણાક કમ કોમર્શિયલ કોમ્પલેક્સ પણ તોડી પાડવામાં આવ્યાં છે. નઝીર વોરાએ જુહાપુરા અને આસપાસના વિસ્તારમાં પાંચ ગેરકાયદે બાંધકામો ઉભા કર્યા હતા તે મ્યુનિ.એ પોલીસ બંદોબસ્તમાં તોડયા છે.
જુહાપુરના સોનલ સિનેમા રોડ ઉપર ટીચર્સ કોલોની સામે અલી રઝા કોમ્પલેક્સ નઝીર વોરાએ વર્ષો પહેલા બાંધીને દુકાનો, ઓફિસ વેચી દીધી હતી. આ કોમ્પલેક્સના ટેરેસ ઉપર કબજો રાખીને નઝીર વોરાએ તેમાં જીમ અને ગેમ ઝોન બનાવ્યાં હતાં. આ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી.
નોટિસ મળતાં નઝીરે જીમના સાધનો હટાવી લીધા હતા. મ્યુનિ. તંત્રએ ખાલી પડેલા જીમ, ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું. ઉલ્લેખનિય છે કે, નઝીર વોરા સામે અત્યાર સુધીમાં ત્રણેક ડઝન ગુના નોંધાયેલા હોવાનું પોલીસ કહે છે. આ ગુનાઓ પૈકી અમુકનો નિકાલ થઈ ચૂક્યો છે. નઝીર વોરાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે તંત્રએ સામુહિક કાર્યવાહી શરૂ કરી છે.
25 લાખનું બિલ બાકી છતાં ટોરેન્ટે કોઇ કાર્યવાહી ન કરી
નઝીર વોરાના કેસમાં જુહાપુરામાં તેનું 25 લાખનું વીજબિલ બાકી હોવા છતાં ટોરન્ટ પાવર તરફથી તેની સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3I4NWYA
via IFTTT
Post a Comment