ગુજરાતમાં કોરોનાની રસી નહીં લેનારાંની ડોર ટુ ડોર તપાસ કરાશે


દિવાળી બાદ આરોગ્ય વિભાગ ખાસ ઝુંબેશ હાથ ધરશે

રાજ્યમાં હજુય 53,27,391 લોકોએ રસી જ લીધી નથી 42,46,434 લોકો બીજો ડોઝ લેવા આવ્યા નથી

અમદાવાદ : રાજ્ય સરકાર કોરોનાની રસીને લઇને સિધ્ધીઓના ગુણગાન ગાઇ રહી છે પણ હકીકત એ છેકે, આજેય ગુજરાતમાં અડધો કરોડ જેટલી વસ્તીએ કોરોનાની રસી લીધી નથી.

એટલું જ નહીં, 42 લાખ લોકો રસીનો બીજો ડોઝ લેવા આવ્યા નથી. આ સંજોગોમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગના આદેશને પગલે રાજ્ય આરોગ્ય વિભાગે રસી નહી લેનારાં લોકોની ડોર ડોર તપાસ કરવા નક્કી કર્યુ છે. દિવાળી બાદ ગુજરાતમાં ખાસ ડ્રાઇવ શરૂ કરવા આયોજન કરાયુ છે.  

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા હવે નહીવત છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ શૂન્ય રહ્યો છે. ચાર કરોડથી વધુ લોકોએ રસી લઇ લીધી છે. આમ છતાંય કોરોનાની રસીને લઇને હજુય લોકો બેદરકાર રહ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગ ભલે વાહવાહી લૂંટે પણ વાસ્તવિકતા એ છેકે, રસીકરણના પૂર્ણ લક્ષ્યાંક સુધી પહોચી શકાયુ નથી. 

ખુદ આરોગ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો,ગુજરાતમાં 42,46,344 લોકોએ કોરોનાના બીજો ડોઝ લીધો નથી. કોવેક્સીન અને કોવિશિલ્ડ રસીના નિયત સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતાંય પ્રથમ  ડોઝ લેનારાં લોકો બીજો ડોઝ લેવા આવ્યા નથી.  માત્ર અમદાવાદ શહેરમાં જ  6,38,707 લોકો એવા છે જેઓએ પ્રથમ ડોઝ તો લીધો છે પણ બીજો ડોઝ લીધો નથી.

નિર્ધારિત સમય બાદ એસએમએસથી જાણ કરવામાં આવી રહી છે તેમ છતાંય લોકો બીજો ડોઝ લેવા તૈયાર નથી. આ સંજોગોમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને આ મામલે અસરકારક કામગીરી કરવા તાકીદ કરી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય આરોગ્ય  મંત્રીએ રાજ્ય આરોગ્ય મંત્રી સાથે વાત પણ કરી છે. હવે દિવાળી બાદ ડોર ટુ ડોર ચકાસણી કરવા આયોજન કરવામાં આવ્યુ છે.

ખાસ કરીને અમદાવાદ સહિત આઠેય મહાનગરોને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવનાર છે. આ માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવશે. રસીને લઇને હજુય લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. એટલું જ નહીં, બેદરકારી પણ દાખવવામાં આવી રહી છે જેથી આરોગ્ય વિભાગે જનજાગૃતિ કેળવવા પણ અભિયાન શરૂ કરવા વિચાર્યુ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GEjq7a
via IFTTT

Post a Comment

Previous Post Next Post