
અનામત મુદ્દે પીજી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સ્થગિત થતા
ઓલ ઈન્ડિયા ક્વોટામાં વિવાદ મુદ્દે યુજી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા રોકી રખાતા પેરામેડિકલ પણ રોકી રખાઈ હતી
અમદાવાદ : પીજી મેડિકલ પ્રવેશ કાઉન્સેલિંગ એક મહિના માટે સ્થગિત કરી દેવાતા હવે યુજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પણ પણ નહી થઈ શકે અને આ પ્રવેશ પ્રક્રિયા પણ ખોરંભે ચડશે.જ્યારે યુજી મેડિકલ-ડેન્ટલને લીધે રોકી રખાયેલી નીટ વગરની યુજી પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા હવે સરકારે ટૂંક સમયમાં શરૂ કરી દેવી પડશે.
કેન્દ્ર સરકારે યુજી-પીજી મેડિકલ ઓલ ઈન્ડિયા ક્વોટા પ્રવેશમા અનામત લાગુ કરાયા બાદ સુપ્રીમકોર્ટમાં થયેલ પીટિશનના કેસમાં 25મીએ વધુ સુનાવણી દરમિયાન સરકારે ઈડબલ્યુએસની આવક મર્યાદાની સમીક્ષા કરવાનું જણાવતા પીજી મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા એક મહિનો માટે સ્થગિત કરી દેવાઈ છે.
જાન્યુઆરીમાં પણ પ્રવેશ પ્રક્રિયા થશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે બીજી બાજુ યુજી મેડિકલ-ડેન્ટલના પ્રવેશ પણ ખોરંભે ચડશે. નીટ આધારીત મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીના ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રવેશ પણ અનામતના વિવાદને લઈને થયા નથી ત્યારે ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રવેશ ન થતા સ્ટેટ ક્વોટાના પ્રવેશ પણ રોકી રાખવામા આવ્યા છે.
હાલ ગુજરાતની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા યુજી મેડિકલ માટે માત્ર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે પરંતુ મેરિટ,ચોઈસ ફિલિંગ અને સીટ એલોટમેન્ટ પ્રક્રિયા હવે પીજી મેડિકલ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નહી થઈ શકે. મહત્વનું છે કે યુજી મેડિકલ-ડેન્ટલના પ્રવેશ ન થતા સરકારે પેરામેડિકલના પ્રવેશ પણ રોકી રાખ્યા હતા.
ધો.12 સાયન્સ પછીના નીટ સિયાના બોર્ડ પરિણામ આધારીત નર્સિગ,ફીઝિયોથેરાપી સહિતના આઠ પેરામેડિકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા પણ ખોરંભે ચડી હતી.સરકારની પેરામેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા સપ્ટેમ્બરમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરાયા બાદ થોડા દિવસ પહેલા નવુ રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ.જે પણ પુરૂ થઈ ગયુ છે અને હાલ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરીને પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે.
મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલના સમાંતર પ્રવેશ થાય તો વિદ્યાર્થીઓ એક બ્રાંચમા નહી તો બીજી બ્રાંચમાં જઈ શકે તેવુ આયોજન હતુ પરંતુ પીજી મેડિકલને લીધે હવે યુજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ એક મહિના કરતા વધુ સમય માટે સ્થગિત થતા સરકારે યુજી પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા આગળ શરૂ કરી દેવી પડશે.મળતી માહિતી મુજબ થોડા દિવસમાં જ મેરિટ જાહેર કરી ચોઈસ ફિલિંગ-સીટ એલોટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HXbqyM
via IFTTT
Post a Comment