ખોખરામાં પાણીની લાઇનમાં ભંગાણ, પાણી વેડફાયું , લોકો હેરાન થયા

અમદાવાદ,તા.29 નવેમ્બર 2021,સોમવાર

ખોખરા મદ્રાસી મંદિર પાસે પીવાના પાણીની લાઇનમાં સોમવારે ભંગાણ પડતા પીવાના શુદ્ધ પાણીનો રેલો છેક ૧ કિ.મી.દુર નાથાલાલ ઝઘડિયા  રેલવે ઓવરબ્રિજ સુધી પહોંચ્યો હતો. જેના કારણે સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સતત ત્રણ કલાક ભારે ટ્રાફિકજામ રહ્યો હતો. એક અઠવાડિયામાં આ લાઇનમાં આ ત્રીજી વખત લીકેજ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. વારંવારના લીકેજથી પાણી ડહોળું આવે છે, જેના કારણે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે.

મદ્રાસી મંદિર પાસે સવારે પાણીની લાઇનમાં લીકેજ થયું હોવાના કારણે શુદ્ધ પીવાના પાણીનો જબ્બર બગાડ થયો હતો. આખા રોડ પર પાણી જ પાણી ! વહેતા પાણી વચ્ચે રાહદારીઓએ સાચવીને અવર-જવર કરવાની ફરજ પડી હતી. જેના કારણે વાહનવ્યવહાર મંદગતિએ આગળ વધતો હોવાથી સવારના ૧૧ વાગ્યા સુધી ભારે ટ્રાફિકજામની સ્થિતિનો લોકોએ સામનો કરવો પડયો હતો.

નાથાલાલ ઝઘડિયા ઓવરબ્રિજથી મદ્રાસી મંદિર થઇને ગાયત્રી ડેરી અનુપમ સિનેમા સુધીના રોડ પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. બીજી તરફ રામબાગથી લઇને એલ.જી.હોસ્પિટલ સુધી પણ ચક્કાજામ વચ્ચે વાહનચાલકો અટવાયા હતા. 

રહીશોના જણાવ્યા મુજબ મ્યુનિ.તંત્ર ગટર, પાણીની લાઇનના મામલે સદંતર નિષ્ફળ રહ્યું છે. પાયાની સુવિધા સમાન આ બંને કામોમાં હંમેશા ઉદાસિનતા રાખવામાં આવે છે. કોઇ ગંભીરતાથી લેતું નથી. પાણી લીકેજના કારણે સવારે અનેક સોસાયટીઓમાં પાણીની તંગી જોવા મળે છે. ઓછુ અને ઓછા પ્રેસરથી પાણી આવતું હોવાથી લોકોએ પાણી વગર રહેવું પડે છે.

આજે ખોખરામાં દરબારનગરની ચાલીમાં  લગ્ન પ્રસંગ હતો, તેવામાં પાણીની લાઇન લીકેજના કારણે આખો રોડ પાણીથી તરબોળ હોવાથી જાનૈયાઓએ હાલાકી ભોગવવી પડી હતી. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3I10tfA
via IFTTT

Post a Comment

Previous Post Next Post