અમદાવાદ,તા.01 ઓક્ટોબર 2021, શુક્રવાર
ગુજરાતના ચાર મહત્વના પર્યટન સ્થળો માટે એસ.ટી.નિગમ દ્વારા તા.૧ ઓક્ટોબરને શુક્રવારથી નવી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ચારેય નવી એક્સપ્રેસ બસોનો લાભ અમદાવાદીઓને મળી રહેશે. અમદાવાદથી પાવાગઢ (માંચી), અમદાવાદથી ધોળાવીરા માટે ગીતામંદિરથી બસો ઉપડશે. જ્યારે વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગાંધીનગરથી દાંડી માટેની એક્સપ્રેસ બસો પણ અમદાવાદમાં વાયા રાણીપ, ગીતામંદિર થઇને જશે. આમ અમદાવાદના મુસાફરોને ચાર મહત્વના પર્યટન સ્થળો માટે વધારાની બસ સેવા આજથી જ મળતી થઇ ગઇ છે.જેને લઇને હવે પૂર્વ અમદાવાદમાં વસતા લાખો લોકોને સરકારી પરિવહનની બસ સેવાનો સારો એવો લાભ મળી રહેશે.
આજે શુક્રવારથી જ આ બસો સંચાલનમાં મૂકાઇ ગઇ છે. જેથી નવરાત્રિમાં પાવાગઢ જવા માંગતા લોકોને મોટી રાહત મળી જશે. દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવારી, દાંડી જવા માંગતા અમદાવાદીઓને મોટી રાહત મળી રહેશે.
પૂર્વ અમદાવાદમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે આ પર્યટન સ્થળોની મુલાકાત લેવું સરળ બની જશે. એસ.ટી.નિગમની વધારાની ફાળવાયેલી એક્સપ્રેસ બસો લોકોની મુસાફરીની જરૂરિયાત પુરી કરશે.
અમદાવાદ-પાવાગઢ (માંચી) માટેની બસ ગીતા મંદિરથી સવારે ૫ઃ૦૦ વાગ્યે ઉપડીને ૮ઃ૪૦ કલાકે પાવાગઢ પહોંચી જશે. આ બસ વડોદરા, હાલોલના રૂટેથી દોડશે. અમદાવાદથી બીજી બસ બપોરે ૧ઃ૩૦ કલાકે ઉપડશે જે સાંજે ૫ઃ૨૦ કલાકે પાવાગઢ પહોંચશે. જ્યારે પરતમાં પાવાગઢ(માંચી)થી સવારે ૯ કલાકે બસ ઉપડશે જે બપોરે ૧૨ઃ૫૦ કલાકે અમદાવાદ પહોંચશે. બીજી બસ સાંજે ૬ વાગ્યે ઉપડીને રાત્રે ૯ઃ૫૦ કલાકે અમદાવાદ આવશે.
અમદાવાદથી ધોળાવીરા માટે સાંજે ૭ વાગ્યે બસ ઉપડશે જે સવારે ૪ઃ૩૦ કલાકે ધોળાવીરા પહોંચશે. આ બસ રાણીપ, અંબિકા, મહેસાણા, ચાણસ્મા, હારીજ, રાધનપુર, રાપર, બાલાસર થઇને ધોળાવીરા જશે. પરતમાં ધોળાવીરાથી સાંજે ૫ઃ૦૦ વાગ્યે ઉપડશે જે આ જ રૂટ પર થઇને રાત્રે ૨ઃ૩૦ કલાકે અમદાવાદ પહોંચશે.
ગાંધીનગરથી દાંડી માટે સવારે ૯ કલાકે બસ ઉપડશે જે ૫ઃ૩૦ કલાકે દાંડી પહોંચશે આ બસ અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર જીઆઇડીસી, સુરત , નવસારી થઇને દાંડી જશે. ગાંધીનગરથી બીજી બસ સાંજે ૬ઃ૩૦ કલાકે ઉપડશે જે દાંડી રાત્રે ૨ઃ૫૫ કલાકે પહોંચશે. પરતમાં દાંડીથી સવારે ૭ કલાકે બસ ઉપડીે ગાંધીનગર બપોરે ૩ઃ૩૦ કલાકે પહોંચશે. બીજી બસ સવારે ૫ઃ૧૫ કલાકે ઉપડીને બપોરે ૧ઃ૪૦ કલાકે ગાંધીનગર પહોંચશે.
વડનગરથી સવારે ૪ વાગ્યે બસ ઉપડીને સવારે ૧૧ઃ૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. બીજી બસ રાત્રે ૯ ઃ૦૦ કલાકે ઉપડીને સવારે ૪ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ બસ વિસિનગર, ગાંધીનગર, રાણીપ, ગીતામંદિર, વડોદરા, ડભોઇના રૂટે દોડશે. પરતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બપોરે ૧ ઃ૦૦ કલાકે બસ ઉપડીને રાત્રે ૮ઃ૧૦ કલાકે વડનગર પહોંચશે. બીજી બસ રાત્રે ૯ઃ૦૦ કલાકે ઉપડીને સવારે ૪ઃ૧૦ કલાકે વડનગર પહોંચશે.
આમ ચાર મહત્વના સ્થળો માટે દોડાવાયેલી એસ.ટી.નિગમની નવી એક્સપ્રેસ બસોનો લાભ અમદાવાદીઓને મળશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zX40pT
via IFTTT
Post a Comment