ગુજરાતમાં નાની બચતની કચેરીઓની કામગીરી સદંતર બંધ કરી દેવા આદેશ


જિલ્લાઓમાં આ કામગીરી હવે સંબંધિત કલેક્ટરની કચેરીને કાયમી ધોરણે તબદીલ કરવાની રહેશે

ગાંધીનગર : ગુજરાતમાં નાની બચતના નાયબ નિયામકની કચેરી તેમજ જિલ્લાઓની નાની બચતની કચેરીઓની કામગારી કાયમી ધોરણે બંધ કરવા તેમજ હવે પછીની કામગીરી સબંધિત જિલ્લા કલેક્ટરની કચેરીઓને કાયમી સ્વરૂપે તબદીલ કરવા રાજ્યના નાણા વિભાગે એક આદેશ કર્યો છે.

ભારત સરકારની રાષ્ટ્રીય બચત સંસ્થાન કચેરીઓ દ્વારા નાની બચતની જે યોજનાઓ અમલમાં છે તેની નોડલ એજન્સી તરીકે અમદાવાદ સ્થિત નાયબ નિયામકની કચેરી મારફતે કરવામાં આવે છે.

રાજ્ય સરકારે 2005થી કેન્દ્રીય સહાય લેવી ન પડે તેવું ધોરણ અપનાવ્યું છે તેમજ નવા એજન્ટોની નિયુક્તિ, પ્રોત્સાહન માટેનું અનુદાન અને યોજનાની પ્રસિદ્ધિ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્ય સરકારે નાયબ નિયામકની કચેરી. પ્રાદેશિક તેમજ જિલ્લાની બચતની કચેરીઓમાંથી જગ્યાની કમી કરવામાં આવી છે.

હાલમાં અધિકૃત નાની બચતની સ્ટાન્ડર્ડાઇઝ એજન્સી સિસ્ટમ તેમજ મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત જેવી યોજનાઓના એજન્ટોની કામગીરી રદ્દ કરવામાં આવી છે. એટલે કે આ કચેરીઓની કામગીરી ઝીરો થઇ જવા પામી છે તેથી આ કચેરીઓની કામગીરી જિલ્લા કલેક્ટર કચેરીઓને આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણા વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આ કચેરીઓની કામગીરી બંધ કરવાથી નાયબ નિયામક, નાયબ મામલતદાર, હિસાબનીશ, ક્લાર્ક સહિતના 47ના સ્ટાફની જગ્યાઓ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે છે. આ કચેરીઓમાં હાલ 20નો સ્ટાફ છે અને 27 જગ્યાઓ ખાલી છે જે તમામ નાબૂદ કરી દેવામાં આવી છે.

હવે પછી નાની બચતના એજન્ટોની કામગીરી રાજ્યના મહેસૂલ વિભાગના મહેકમ પરના સબંધિત જિલ્લા કલેક્ટર કચેરીઓ કાયમી ધોરણે કરશે. નાની બચતના નાયબ નિયામકની કચેરીનો સમગ્ર વહીવટ હવે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ ખસેડી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

એવી જ રીતે જિલ્લાની નાની બચતની કચેરીઓને પણ જિલ્લા કલેક્ટરના વહીવટી તંત્રમાં સામેલ થવું પડશે કે જેથી પ્રતિનિયુક્તિના ધોરણે ફાળવવામાં આવેલા સ્ટાફને મૂળ જગ્યાએ પરત આવવાના આદેશ કરવામાં આવ્યા છે. બીજી તરફ નાની બચતના નાયબ નિયામક તેમજ જિલ્લાની કચેરીઓનું સમગ્ર રેકર્ડ, સ્થાવર-જંગમ મિલકત, માલસામાન વિગેરે જિલ્લા કલેક્ટર કચેરીએ ખસેડવાનું રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CsFqzv
via IFTTT

Post a Comment

أحدث أقدم