મધ્યાહ્ન ભોજન યોજનાના બાળકો માટે ફોર્ટીફાઇડ ચોખાનો જથ્થો ખૂટી પડયા


પંજાબ-હરિયાણાથી જથ્થો ઓછો આવવાથી

20,000 મેટ્રિક ટનના બદલે 16,000 મેટ્રિક ટન ચોખા મળતા ઘટ ઊભી થઇ : ફૂડ કોર્પોરેશન

ગાંધીનગર : ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ લેતાં બાળકોને આપવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો ખૂટી પડતાં કેટલાક જિલ્લાઓની સ્કૂલોમાં બાળકોને ચોખા મળ્યા નથી. બાળકો માટે ચોખાનો જથ્થો પંજાબ અને હરિયાણા રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યો હતો.

કોરોના મહામારીના કારણે મધ્યાહ્ન ભોજન યોજનામાં બાળકોને રાંધેલો ખોરાક આપવામાં આવતો નથી પરંતુ અનાજ વિતરીત કરવામાં આવે છે. 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ધોરણ-1 થી ધોરણ-8 સુધીના 51 લાખથી વધુ બાળકો માટે 20,000 મેટ્રીટટન ચોખાની જરૂરિયાત સામે રાજ્ય ચોખા ઉત્પાદક રાજ્ય પંજાબ અને હરિયાણાથી માત્ર 16000 મેટ્રીકટન ફાર્ટિફાઇડ ચોખા ખરીદ કરી શક્યું છે.

અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત જામનગર અને રાજકોટમાં બાળકોને ચોખાનો અપુરતો પુરવઠો મળ્યો છે જ્યારે અરવલ્લી, ભરૂચ, જામનગર, નવસારી, પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને 23 દિવસની પ્રથમ બેચમાં એક ગ્રામ પણ ચોખા મળી શક્યા નથી.

અમદાવાદ શહેરમાં જૂન અને જુલાઇ મહિનામાં 1.59 લાખ બાળકોને નવા શૈક્ષણિક વર્ષના 47 દિવસ માટે ઓક્ટોબરમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે જથ્થો અપૂરતો રહ્યો હતો.

મધ્યાહ્ન ભોજન યોજનાના અધિકારીએ કહ્યું હતું કે ભારતીય ફુડ કોર્પોરેશન (એફસીઆઇ) તરફથી જણાવવામાં આવ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં ઉત્પાદનની અછત હોવાથી પુરતા પ્રમાણમાં ચોખાનો પુરવઠો આવી શક્યો નથી.

આ યોજનામાં ફાર્ટિફાઇડ ચોખા આપવાનું કારણ બાળકોમાં જોવા મળતી એનિમિયા, કુપોષણ, આયર્ન અને આવશ્યક ખનીજોની ઉણપને દૂર કરવાનું છે. ગુજરાતમાં ફોર્ટિફાઇડ ચોખા બનાવતી કોઇ મીલ નહીં હોવાથી રાજ્યમાં પંજાબ અને હરિયાણાથી ચોખાનો જથ્થો ખરીદવામાં આવે છે.

વિરતણ કરતી વખતે ફોર્ટિફાઇડ ચોખા તૈયાર કરી શકાતા નહીં હોવાથી ઉપરોક્ત જિલ્લામાં ચોખાનો જથ્થો ખૂટી પડયો હતો. જો કે હવે એ બન્ને રાજયોની મીલોમાં ફાર્ટિફાઇડ ચોખાનું ઉત્પાદન શરૂ થયું હોવાથી ટૂંકસમયમાં જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. એનએફએસએ એક્ટ પ્રમાણે મધ્યાહ્ન ભોજન યોજનામાં ધોરણ-1 થી ધોરણ-8ના 51 લાખ વિદ્યાર્થીઓને ઘઉં અથવા ચોખા રસોઇ બનાવવામાં આપવામાં આવે છે.

રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે ધોરણ-1 થી ધોરણ-5ના વિદ્યાર્થીઓને 100 ગ્રામ ઘઉં અથવા ચોખા સાથે 4.97 રૂપિયા રસોઇ ખર્ચ સાથે આપવામાં આવે છે, જ્યારે ધોરણ-6 થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને 150 ગ્રામ અનાજ અને પ્રતિ બાળક 7.45 રૂપિયા રસોઇ ખર્ચ આપવામાં આવે છે. અનાજનું વિતરણ વ્યાજબી ભાવની દુકાનોએથી થયું હોય છે ત્યારે રસોઇની કિંમત સીધા લાભ ટ્રાન્સફર દ્વારા માતા-પિતાના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mvcMYO
via IFTTT

Post a Comment

أحدث أقدم