અમદાવાદ,તા.25 ઓક્ટોબર 2021,સોમવાર
સિંગરવા ગામે ઔડા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવેલું તળાવ દેખરેખના અભાવે બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયું છે. બગીચો જંગલમાં ફેરવાઇ ગયો છે, રનિંગ ટ્રેક પર ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, બેસવાના બાંકડા તૂટી ગયા છે, રમત-ગમત અને કસરતના સાધનો તૂટી ગયા છે, આયુર્વેદિક બગીચાનું અસ્તિત્વ જ રહ્યું નથી. સાપ, પાટલા ગો સહિતના ઝેરી જીવજંતુઓ આવી ગયા હોવાથી લોકોના જીવનું જોખમ વધ્યું છે.
સિંગરવા ગામના બગીચામાં રોજ સવાર-સાંજ મળીને પાંચસોથી વધુ લોકો યોગ, કસરત કરવા, બાળકો રમવા અને સિનિયર સિટીઝનો બેસવા આવતા હોય છે. જનસુવિધાના નામે આ બગીચા અને તળાવનો ઔડા દ્વારા વિકાસ કરાયો હતો. પરંતુ તેનો મૂળ હેતું સર્યો નથી.
બગીચાની દૈનિક ધોરણે દેખરેખ રાખનાર માળી નથી, સફાઇ પણ નિયમિત થઇ રહી નથી. જેના કારણે હાલમાં બગીચામાં મોટાપાયે જંગલી ઘાસ ઉગી નિકળ્યું છે. ચોમાસામાં પાણી ભરાવાના કારણે બગીચામાં મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે લોકોના પગ મચકાવાના બનાવા વધ્યા હોવાથી લોકો હવે બગીચામાં જતા ડરે છે. વીજ થાંભલા પડી ગયા છે. મોટાભાગના વીજ થાંભલા બંધ હાલતમાં છે.
જાહેર શૌચાલય હંમેશા માટે બંધ જ રહે છે તેને ચાવીસ કલાક તાળા મારીને રાખવામાં આવે છે. જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે. રનિંગ ટ્રેક ઉબડ-ખાબડ બની ગયો છે. તેના પર ટ્રેક્ટરોની ભારે અવર-જવર થતી હોવાથી ટ્રેક તૂટી ગયો છે. અકસ્માતનો ભય વધ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ બગીચામાં ભારે અવ્યવસ્થા પ્રવર્તી રહી છે. બગીચામાં મોટી સંખ્યામાં સાપ ફરતા હોય છે. જે અવાર-નવાર દેખા દે છે. રનિંગ ટ્રેક પર પણ અચાનક સાપ આવી જતા હોવાથી ચાલવા કે દોડવા આવનાર લોકોના જીવનું જોખમ વધ્યું છે. વહેલી સવારે પાંચ વાગ્યે મોટી સંખ્યામાં લોકો દોડવા, ચાલવા આવતા હોય છે અંધારામાં સાપ કરડવાના બનાવ બની શકે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે.
આયુર્વેદિક બગીચો તો નામશેષ પામ્યો છે. શિયાળામાં હવે લોકો મોટી સંખ્યામાં સવારે કસરત કરવા આવશે. ઔડા દ્વારા આ બગીચાની યોગ્ય દેખરેખ રાખવામાં આવે, લોક સુવિધાના સાધનો વસાવવામાં આવે, મરામત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XKUGZp
via IFTTT
إرسال تعليق