સાબરમતી જેલમાં કેદીઓને સુવિધા, સહાયના નામે કરોડોનાં ઉઘરાણાં


જેલમાં કેદીને અલગ તારવી સ્ટેટસ મુજબ સુવિધા અને ભાવ

પૈસા આપે તેવા કેદીને જેલમાં નામ પૂરતું કામ સોંપાય બેરેક બદલવા અને બહાર ફરવા માટેના સેટિંગ થાય  છે

જેલમાં કેદી ઉદ્યોગના ટર્નઓવરના આંક જાહેર થાય પણ ભ્રષ્ટાચાર ખાનગી

અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી, અમદાવાદની સાબરમતી જેલ કેદીઓને ગેરકાયદે સુવિધાના મામલે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. સાબરમતી જેલના ઉદ્યોગોના ટર્નઓવરના આંકડા જાહેર થતાં રહે છે. પણ, જેલના અમુક કર્મચારીઓ દ્વારા કેદીઓ પાસે સુવિધા અને સહાયના નામે કરવામાં આવતાં કરોડોના ઉઘરાણાં એટલે કે ભ્રષ્ટાચારને ખાનગી રાખવામાં આવે છે.

કિલ્લેેબંધી ધરાવતી સાબરમતી જેલની અલગ દુનિયાનો ઘટસ્ફોટ છેક સરકાર અને ઉચ્ચ અિધકારીઓ સુધી પત્ર થકી થયાની ચર્ચા જાગી છે. જેલમાં પ્રવેશ થાય ત્યાંથી જામીન મેળવી કેદી બહાર નીકલે ત્યાં સુધી સ્ટેટસ મુજબ સુવિધા અને સહાય આપવાના ભાવ મ્હોં ફાડીને વસૂલવામાં આવે છે. પૈસા આપે તેવા કેદીને જેલમાં નામ પૂરતું એવું કામ અપાય છે કે બેરેકની બહાર મુક્તપણે હરવા ફરવાની આઝાદી મળે છે.

ચોંકાવનારાં આક્ષેપો વચ્ચે જેલની શ્રધૃધેયતા જળવાય તેવી આશા અને સુધારાની અપેક્ષા સાથે રજૂ કરેલી વિગતો હચમચાવી દે તેવી છે. કિથત પત્રમાં કરાયેલા આક્ષેપો તપાસ માગી લે લેવા તો છે જ. અંગ્રેજોના જમાનાની સાબરમતી જેલમાં રિનોવેશન થઈ રહ્યું છે તે સાથે કેદીઓના હક્ક અને મોટાભાગના કેદીને પાયાની સુવિધામાં અન્યાયના મુદ્દે પણ તંત્ર રિનોવેટ થાય તે સમયની માંગ છે.

નવા કેદીને એન્ટ્રી થતાં સુવિધા માટેના ભાવ કહેવાય

જેલમાં પ્રવેશતાં જ કેદીને સુવિધાના ભાવની બજારનો અનુભવ થાય છે. દરરોજ બપોર પછી નવા કેદી એન્ટર થાય અને સાંજે બંદી (બેરેકમાં પાછા જવાનો સમય) વખતે કેદીને લાઈનમાં બેસાડી બેરેક ફાળવાય છે. આ સમયે કેદી કયા ગુનામાં આવ્યાં અને તેનું બેકગ્રાઉન્ડ જાણી લેવાય છે.

આ પછી કેદીને આિર્થક કૌભાંડ, ચિટિંગ, દારૂ અને સોશિયલ સ્ટેટસ મુજબ અલગ-અલગ તારવી લેવાય છે. પૈસા આપે તેવા કેદીને સુવિધા અને તેના બદલામાં કેટલા પૈસા થશે તેની જાણકારી અપાય છે. ગોઠવાયેલા બે જેલ કર્મચારી સુવિધાના બદલામાં ઉઘરાણાંની ચિઠ્ઠી વહિવટદારને આપે તે બહાર પૈસા વસૂલી લે છે.

પૈસા ન ચૂકવે તે કેદી લૂખ્ખા કંજૂસાઈ કરે તેને ગંદકી

જેલમાં દરરોજ 30થી 50 નવા કેદી આવે તેમાંથી પાંચ-સાત કેદી સુવિધા માટે પૈસા આપવા તૈયાર થાય છે. પૈસા ચૂકવી શકે તેવા કેદી શરૂઆતમાં કંજુસાઈ દાખવે તો તેને ગંદકીવાળી ચાર બાય ચારની ખોલીમાં રખાય છે. આવા કેદી છેવટે પૈસા ચૂકવવા તૈયાર થાય એટલે તેની બેરેક બદલી અપાય છે. જ્યારે, 80 ટકા કેદી લુખ્ખા એટલે કે પૈસા આપવા સક્ષમ હોતા નથી એટલે તેમને સામુહિક ટોળાંવાળી બેરેકમાં મોકલી અપાય છે.

મનગમતી બેરેકમાં બદલી કરાવવાનો ભાવ 20000

બેરેક બદલવા વીસથી પચ્ચીસ હજાર રૂપિયાનો ભાવ ચાલતો હોવાની ચર્ચા છે. પોતાના જાણીતા કેદી પાસે જવા માટે અમુક કેદી બેરેક બદલવાની માગણી પણ કરતાં હોય છે તેનો ગેરલાભ લેવાય છે.

હોટલથી પણ મોંઘા પડે છે જેલના ક્વોરન્ટાઈન પેકેજ!

જે કેદી ક્વોરન્ટાઈન વોર્ડમાં વધુ દિવસ રહેવા માગે છે તેમને હોટલ કરતાં પણ વધુ પૈસા ચૂકવવા પડે છે. ચર્ચા છે કે, 10 દિવસના ક્વોન્ટાઈન  પેકેજ માટે 20થી 50 હજાર રૂપિયાનો ભાવ સામાન્ય છે.

બદલામાં હરવા, ફરવાની છૂટછાટ, પરિવાર કે કેદી ઈચ્છે તેની સાથે સવારે-સાંજે 10-10 મિનિટ વાતચિત, કેન્ટિનનું સારૂં જમવાનું, દૂધ, છાસ સહિતની સુવિધા મળે છે.ગુજસીટોકના એક આરોપી ઉપરાંત જીએસટી કૌભાંડના આરોપીના તો ત્રણથી પાંચ લાખના પેકેજ હોવાની ચર્ચા છે.

ચહેરો કરવામાં કમાણી વીઆઈપી કેદી સફાઈ કરે!

જેલની ભાષામાં ચહેરો કરવો એટલે કે જેલમાં કેદીને અલગ-અલગ કામ બતાવાય છે તેમાંથી તેની પસંદગીનું કામ સોંપવામાં આવે છે. કેદીને કયુ કામ સોંપવું તેના માટે મોં માગ્યા દામ વસુલવામાં આવે છે.

એક રાજકીય વગદાર કેદી જનરલ સફાઈ, એક પ્લેન હાઈજેક આરોપી અને અમદાવાદનો ચર્ચાસ્પદ લબરમુછિયો માલેતુજાર કારચાલકે સાફસફાઈના કામ પસંદ કર્યા હતા. પૈસા પાત્ર લોકો હાથમાં સાવરણી પકડે કે કચરાં પોતું પકડે ખરા? પણ, જેલમાં પૈસાના જોરે ચહેરો કરવાની પ્રક્રિયામાં સેટિંગ કરી કામના બહાને હરવા-ફરવાની આઝાદી ેમેળવાય છે.

સાંજે છ પછી બેરેક બહાર મોડે સુધી ફરવા માટે સેટિંગ

સામાન્ય રીતે જેલમાં સવારે 6થી સાંજે 6 સુધી કેદીઓને બેરેકની બહાર કાઢવામાં આવે છે. પણ, એક જેલરને તેના તાબાના અિધકારી થકી સેટિંગ કરી પૈસા મોકલાય તો રાતે બાર - એક વાગ્યા સુધી અમુક કેદી ફરતાં રહે છે તેવા આક્ષેપ પણ છે.

સજા માફીની અરજી બનાવવાના પૈસા 

અમુક કેદીઓ સજા માફી માટે હાઈકોર્ટ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સુધી અરજી કરતાં હોય છે. કાયદાની ભાષામા આ પ્રકારની અરજી પણ જેલના અમુક કર્મચારી તૈયાર કરી આપે છે અને આ કામના પૈસા લેવાય છે. સજા  માફીની અરજી જેલના ચોપડે ચડાવવા એટલે કે રવાના કરવા માટે પણ પૈસા ચૂકવવા પડતા હોવાની ચર્ચા છે.

જુની જેલમાં રહો તો પણ નવી જેલમાં ક્વોરન્ટાઈન

સાબરમતી જેલ બે ભાગમાં વહેંચાયેલી છે. જુની જેલમાં સજા પામેલા પાક્કા કામના કેદી રખાય છે. નવી જેલમાં નવા આવતાં કેદીને રાખવાના હોય છે. જેલમાં પ્રવેશેલાં કાચા કામના કેદીનો ક્વોરન્ટાઈન વોર્ડ જુની જેલમાં છે. જુની જેલમાં દસ દિવસ ક્વોરન્ટાઈન થઈને નવી જેલમાં પહોંચતા કાચા કામના કેદીને નવી જેલમાં એક દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આ જગ્યાને ભગત ક્વોરન્ટાઈન સેન્ટર નામ અપાયું છે.

જેલમાં પૈસાદારને જલસા બાકીના કેદી માટે નિયમો

જેલમાં પૈસાદાર કેદીઓને જલસા છે અને 85 ટકા સામાન્ય કેદીઓ માટે જેલ કાયદાના નિયમોનું ચૂસ્ત અમલવારી થાય છે. એમાં એકાદ ડઝન વીવીઆઈપી કેદીને તો ટીવી, ફોન, લેપટોપ, ઈન્ટરનેટ સહિતની સુવિધા પણ મળી રહે છે.

આવા કેદીને વીશીનું જમવાનું, સવાર - સાંંજ હરવા ફરવાની મુક્તિ ઉપરાંત ત્રણ - ચાર દિવસે પરિવાર, સ્વજન સાથે મુલાકાત સુધીની સુવિધા અપાય છે. મોટાભાગના કેદી અને નિષ્ઠાવાન જેલ કર્મચારીઓમાં કેદીઓ પાસે રાખવામાં આવતા ભેદભાવ અને મોટા મોટા દાવાઓ મુદ્દે કચવાટ પ્રવર્તે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3boCGqX
via IFTTT

Post a Comment

Previous Post Next Post