મોટેરા આશ્રમના દુષ્કર્મ કેસમાં આસારામની જામીન અરજી


જોધપુર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને હાઇકોર્ટની નોટિસ

આઠ વર્ષથી જેલમાં બંધ છું, ઉંમર 82 વર્ષ હોવાથી તબિયત દિવસે-દિવસે લથડતી જાય છે : આસારામ

અમદાવાદ : મોટેરા આશ્રમમાં યુવતી પર બળાત્કરના કેસમાં આસારામે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. રાજસૃથાનમાં નોંધાયેલા બળાત્કારના અન્ય એક કેસમાં આસારામ જોધપુર જેલમાં બંધ હોવાથી હાઇકોર્ટે જોધપુર જેલના સુપ્રિન્ટેન્ટન્ટને નોટિસ પાઠવી છે. જામીન અરજીના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જૂન-2021ના મેડિકલ રિપોર્ટના આધારે જામીનની માગણી થઇ રહી છે. 

જામીન અરજીમાં આસારામ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે આ કેસની ટ્રાયલના 92 સાક્ષીઓ પૈકી 51 સાક્ષીઓની તપાસ થઇ ચૂકી છે, 16ને ડ્રોપ કરવામાં આવ્યા છે અને 27ની તપાસ હજુ બાકી છે.

અત્યારે તેની ઉંમર 82 વર્ષ છે અને તબિયત દિવસે ને દિવસે લથડી રહી છે. એક તબક્કે તેનું હિમોગ્લોબિન 3.6 થઇ ગયું હતું. આ ઉપરાંત કોરોનાકાળમાં તેને કોરોના પણ થયો હતો. છેલ્લાં આઠ  વર્ષથી જેલમાં બંધ હોવાથી તેને સારવાર માટે જેલમાંથી મુક્તિ આપવી જોઇએ. જામીન મળ્યા બાદ પણ તે હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ રહેશે.

જામીન અરજીના વિરોધમાં રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હાલ અરજદારને કોઇ મેડિકલ ઇમરજન્સી હોય તેવું જણાતું નથી. આ ઉપરાંત તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ પણ જૂન-2021ના છે. કોર્ટે જોધપુર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને પક્ષકાર તરીકે જોડી નોટિસ પાઠવવા અને વર્તમાન મેડિકલ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરી વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ નિયત કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BwhUjA
via IFTTT

Post a Comment

أحدث أقدم