અમદાવાદ,તા.23 ઓક્ટોબર 2021, શનિવાર
શાહપુર દરવાજા બહાર આવેલા જૂના મ્યુનિ.સ્ટાફ ક્વાટર્સના મકાનોના દસ્તાવેજ હજુ સુધી થયા ન હોવાથી ત્યાં રહેતા મ્યુનિ.કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લાઇટ બીલ, ટેક્સબીલ અને પ્રોપર્ટી કાર્ડમાં પણ નામ ચઢતા ન હોવાની હાલાકી લોકો ભોગવી રહ્યા છે.
શાહપુર જુના મ્યુનિ.સ્ટાફ ક્વાટર્સના આશરે ૭૦૦ જેટલા મકાનો આવેલા છે. આ મકાનોમાં મ્યુનિ.સ્ટાફ રહે છે. આ અંગે સામાજિક કાર્યકર દિનેશ શર્માના જણાવ્યા મુજબ આ મકાનોમાં છેલ્લા ૨૭ વર્ષથી લોકો વસે છે. શરૂઆતમાં પંદર હજાર રૂપિયામાં મકાનોની ફાળવણી કરાઇ હતી. આજદીન સુધી મ્યુનિ.તંત્ર દ્વારા દસ્તાવેજ કરી અપાયા ન હોવાની રહીશોની ફરિયાદો છે.
વર્ષ ૧૯૮૪માં મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને મકાનો બનાવાયા હતા. વર્ષ ૧૯૮૭માં મકાનોના ફાળવણી પણ કરી દેવાઇ હતી. પાવર ઓફ એટર્ની થકી મોટાભાગના મકાનો વેચાઇ પણ ગયા છે. દસ્તાવેજની કામગીરી થઇ ન હોવાથી હાલમાં રહેતા રહીશો ચિંતામાં મુકાયા છે. તેઓ જ્યારે હયાત નહીં હોય ત્યારે શું થશે. તે ચિંતાનો વિષય મોટાભાગના પરિવારો માટે બની ગયો છે.
મોટાભાગના લોકોના મકાનોની લાઇટ બીલમાં નામ નથી. ટેક્સ બીલમાં નામ નથી. પ્રોપર્ટી કાર્ડ બની રહ્યા નથી. આ સ્થિતિમાં લોકો માટે વિકટ બની ગઇ છે. મ્યુનિ.તંત્ર દ્વારા સર્વે કરીને દસ્તાવેજ બાકી હોય તેવા મકાનોના દસ્તાવેજો બનાવી આપવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ggk36I
via IFTTT
إرسال تعليق