નોંધણી માટેના દસ્તાવેજોની મનસ્વી રીતે નક્કી કરવામાં આવી રહેલી બજાર કિંમત



અમદાવાદ: એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાના નિર્ણય પછી એલોટમેન્ટ ડેક્લેરેશનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન ફી વિના જ છોડી દીધા હોવાને મુદ્દે તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના અધિકારીઓના કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ શકે છે.બીજી તરફ એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો ત્યારથી દસ્તાવેજોની બજાર કિંમત મનસ્વી રીતે નક્કી કરીને સંબંધિત પક્ષકાર પાસેથી આડેધડ સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવી રહી છે. રૃા. ૫ લાખની કિંમત દસ્તાવેજમાં દર્શાવેલી હોય તો પણ ૮થી ૧૦ લાખની કિંમતનીઆકારણી કરીને સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવી રહી છે. પરિણામે લોકો પર સ્ટેમ્પડયૂટીનું વધારે ભારણ આવી જતાં ખરીદેલી મિલકતના પેમેન્ટ માટેના તેમના આયોજનો ખોરવાઈ રહ્યા છે. બીજીતરફ કેટલાકની મિલકતોનું મૂલ્ય ઊંચું હોવા છતાંય તેમની કિંમત ઓછી આંકીને સ્ટેમ્પ ડયૂટીમા ંરાહત કરી આપવામાં આવી રહી છે. 


અમદાવાદની ૧૪ સબરજિસ્ટ્રાર કચેરીમાંથી મોટાભાગની કચેરીઓમાં એલોટમેન્ટના દસ્તાવેજોમાં રજિસ્ટ્રેશન ફી લીધા વિના જ પરત કરી દેવામાં આવે છે.  તેનાથી સરકારની તિજોરોની મોટું નુકસાન ખમવું પડી રહ્યું છે. સબ રજિસ્ટ્રાર સાથે સરખો વહેવાર કરી દેવામાં આવે તો રજિસ્ટ્રેશન ફી ભર્યા વિના જ દસ્તાવેજ  પરત કરી દેવામાં આવે છે. આ રીતે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. 

એનટીસી હેઠળની સોસાયટીઓના મકાનોમાંતો જમીનો દસ્તાવેજ સોસાયટી કે પછી એન.ટી.સી.-નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામનો હોય છે. દસ્તાવેજમાં જમીનનો ૪૦ ટકા હિસ્સો પક્ષકારને ભાગે ગણીને તેના પર સ્ટેમ્પ ડયૂટી ગણવામાં આવે છે. કાયદાકીય જોગવાઈ મુજબ જમીનની કિંમતને ગણતરીમાં જ લેવી ન જોઈએ. કારણ કે સોસાયટી જમીનનું વેચાણ કરતી જ નથી. માત્ર ઉપરદળ એટલે કે ઉપર બાંધેલી મિલકતનું જ વેચાણ કરે છે. કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી કે એનટીસમાં જમીનનો અનડિવાઈડેટ શૅર-હિસ્સો મિલકત લેનારને મળતો જ નથી. છતાં જમીનની કિંમત ગણીને ઊંચી કિંમતો આંકવામાં આવી રહ ી છે. તેથી ઊંચા ભાવ પ્રમાણે સ્ટેમ્પ ડયૂટી ભરવી પડી રહી છે. 

૨૨મી ઓક્ટોબર ૨૦૨૧ના સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પ દ્વારા કરવામાં આવેલા પરિપત્રના માધ્યમથી રજિસ્ટ્રેશન માટે આવતા દસ્તાવેજો સબરજિસ્ટ્રાર સીધા ડેપ્યુટી કલેક્ટરને મોકલી આપે તેવી જોગવાઈ કરવામાં આવી છે. પરિણામે દસ્તાવેજની નોંધણી થઈને આવવાની પ્રક્રિયાના ગાળામાં ત્રણેક દિવસનો ઘટાડો આવી રહ્યો છે. પરંતુ આ વ્યવસ્થા કરવાને પરિણામે રેવન્યુ ઇન્સ્પેક્ટરને (આઈ.આર.)લેવલે બનતો તેનો રૅકોર્ડ બનતો નથી. પરિણામે દસ્તાવેજ ગેરવલ્લે થાય તો તેવા સંજોગોમાં તેને શોધવો મુશ્કેલ બની જવાની સંભાવના છે. જૂની સિસ્ટમમાં જે રીતે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે જતો હતો તે જ ચેનલથી પરત ફરતો હતો. તેથી તેનો ટ્રેક મેળવવો સરળ રહેતો હતો. હવે એક લેવલ ઓછું થતાં તેનો ટ્રેક રાખવો કઠિન બનવાની શક્યતા રહેલી છે. જૂની સિસ્ટમમાં દસ્તાવેજ ક્યાંથી ક્યાં ગયો અને ક્યાંથી ક્યાં આવ્યો તેનો વ્યવસ્થિત રૅકોર્ડ રહેતો હતો. આમ નોંધણીને કામગીરીના દિવસો ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

સામાન્ય રીતે પક્ષકાર દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે સબરજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરે છે. ત્યારબાદ સબરજિસ્ટ્રાર દસ્તાવેજને અભિપ્રાય માટે નોંધણી નિરીક્ષકને મોકલી આપે છે. તેઓ કલમ ૩૩ની જોગવાઈ મુજબ ખૂટતી સ્ટેમ્પ ડયૂટી લેવી કે નહિ તેવો અભિપ્રાય લખીને ડેપ્યુટી કલેક્ટરને મોકલી આપે છે. ૧૯૯૨થી ૧૯૯૯ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર આપવામાં આવેલી મિલકતો પર સ્ટેમ્પ ડયૂટી ઉપરાંત કલમ ૩૯(૧) (બી)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડયૂટીની રકમના ૧૦થી ૨૦ ટકા રકમ જેટલો દંડ પણ કરવામાં આવે છે. આ કલમ હેઠળ વ્યક્તિગત મિલકત ધારક સાથે જુદું જુદું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પરિણામે વગદારોને કે પછી કટકી આપી દેનારાઓને રાહત થઈ જાય છે અને કટકી ન કરનારાઓ દંડાય છે. 

સ્ટેમ્પ ડયૂટી કચેરીનાનિવૃત્ત 

અધિકારીઓ દ્વારા બેફામ સેટિંગ

સ્ટેમ્પ ડયૂટી કચેરીના જ નિવૃત્ત અધિકારીઓ પ્રાઈવેટ પ્રેક્ટિશનર્સ તરીકે એલોટમેન્ટના દસ્તાવેજોમાં રજિસ્ટ્રેસન ફીની વસૂલીમાં સેટિંગ કરીને ડિપાર્ટમેન્ટને મોટી રકમનું નુકસાન કરાવી રહ્યા છે. નિવૃત્ત સબરજિસ્ટ્રાર કે સ્ટેમ્પ ડયૂટી વિભાગના નિવૃત્ત અધિકારીઓ પોતાની જૂની ઓળખાણનો  ઉપયોગ કરીને આ દસ્તાવેજોની વાસ્તવમાં થતી કિંમત ઓછી દર્શાવીને (ટેકનિકલ ભાષામાં નીચા જૂથમાં એટલે કે ઓછી કિંમત વાળી ગુ્રપમાં મૂકીને) સ્ટેમ્પ ડયૂટીની ચોરી કરાવવામાં સાથ આપે છે. એલોટમેન્ટ લેટર પર દર્શાવવામાં આવેલી કિંમત અથવા નક્કી કરવામાં આવેલી બજાર કિંમત, બેમાંથી જે વધારે હોય તેના પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવે છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CpQihi
via IFTTT

Post a Comment

Previous Post Next Post