આમને કોઇ કહેનાર જ નથી.. જનતા માટે જ નિયમો, નેતાઓ માટે નહીં


રાજનેતાઓ જ કાયદા-નિયમોનો ઉલાળિયો કરે છે

ગાંધીનગર કોર્પો.ની ચૂંટણીના આગલા દિને ભાજપ, કોંગ્રેસ-આપે ભીડ ભેગી કરી કોરોનાના નિયમોની ઐસીતૈસી કરી

અમદાવાદ : ગુજરાતમાં  કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે પણ હજુય સાવચેતીના ભાગરૂપે માસ્ક સહિતના નિયમો અમલમાં છે. જોકે, આ નિયમો માત્ર જનતા માટે લાગુ કરાયા હોય તેમ લાગી રહ્યુ છે.

રાજકારણીઓ તો કાયદા-નિયમો જાણે ખિસ્સામાં લઇને ફરે છે તેવુ ચિત્ર સ્પષ્ટ થયુ છે. પ્રતિષ્ઠાભરી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની આગલા દિવસે ભીડ એકત્ર  કરી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રીતસર કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડયા હતાં. 

ગુજરાતને કોરોનામુક્ત બનાવવા ફરજિયાત રસી લેવા સરકારે અપીલ કરી છે. એએમટીએસ  બસથી માંડી સરકારી કચેરીઓ ઉપરાંત જાહેર સૃથળોએ પણ રસીનુ સર્ટિફિકેટ ફરજિયાત કરાયુ છે. આ ઉપરાંત માસ્ક પહેરવા પણ સરકારે લોકોને સતત આગ્રહ કર્યો છે.

ગણેશ મહોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન પણ ભીડ એકત્ર ન કરવા લોકોને સુફિયાણી સલાહ આપવામાં આવે છે. પણ બીજી તરફ, ખુદ રાજનેતાઓ જ કોરોનાની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. મહત્વની વાત એછેકે, પોલીસ પણ આ રાજકીય તમાશો નિહાળી રહી છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આગલા દિવસે પાટનગરમાં ભાજપે 10 કિમીથી વધુ લાંબો રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. આ રેલીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ માસ્ક પહેરવાની ય તસ્દી લીધી ન હતી. રોડ પર ભારે ભીડ જામી હતી જયાં નિયમોને નેવે મૂકાયા હતાં. આ તરફ, કોંગ્રેસે પણ રેલી યોજી તમામ નિયમોનો ઉલાળિયો કર્યો હતો.

કોંગ્રેસી નેતાઓએ પણ ચૂંટણી જીતવાની લ્હાયમાં માસ્ક પહેરવાથી માંડીને સોશિયલ ડિસટન્સના નિયમોને નેવે મૂકી મૂકી દીધા હતાં. આપે પણ ડાયરાની રંગત જમાવી ભીડ  એકઠી કરી હતી જયાં કોઇ માસ્ક પહેર્યા ન હતાં. આમ, જનતા માટે જ નિયમો હોય તેમ લાગ્યુ હતું. રાજકારણીઓ માટે કોઇ નિયમ કે કાયદો નથી તેમ પ્રસૃથાપિત થયુ હતું. આ રાજકીય રેલીઓએ જ કોરોનાને ખુલ્લુ આમંત્રણ પાઠવ્યુ હતું. 

પાટનગર પર કબજો જમાવવા ભાજપ-કોંગ્રેસનો મરણિયો જંગ

પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં યોજાનારી આ ચૂંટણી બંને રાજકીય પક્ષો માટે એસિડ ટેસ્ટ બની રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ પણ આ જંગ જીતવા પાટનગરની ગલીઓ ગલીઓ ખૂંદી રહ્યા છે. એટલુ જ નહીં, શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રાજકીય પક્ષો આરપારનો જંગ જીતવા મેદાને પડયા છે.

ભાજપ સરકાર અને સંગઠન માટે પણ આ ચૂંટણી જીતવી પડકાર સમાન છે. જયારે કોંગ્રેસે પણ એડીચોટીનુ જોર લગાવ્યુ છે. આમ આદમી પાર્ટીએ પણ સુરતની જેમ ચૂંટણી જીતવા દાવો કર્યો છે. આમ, પાટનગર પર રાજકીય કબજો મેળવવા ભાજપ-કોંગ્રેસે મરણિયો જંગ ખેલ્યો છે. હવે પાટનગરના મતદારો કોને શાસનની ધુરા સોંપે છે તે તો પરિણામ પર થી ખબર પડશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Y4sKf
via IFTTT

Post a Comment

Previous Post Next Post