
1 જાન્યુઆરીથી અમલ કરાવવા
કેન્ડી, આઇસ્ક્રીમની સ્ટિક, પ્લાસ્ટિક કપ અને ગ્લાસ પર પ્રતિબંધ આવશે
ગાંધીનગર : દેશના વિવિધ રાજ્યોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે પરંતુ તેનો અમલ નહીં થતાં હવે કેન્દ્ર સરકાર આકરા પાણીએ થઇ છે. કેન્દ્રએ એવો એક કાયદો બનાવ્યો છે કે જેનો અમલ ગુજરાત સહિતના રાજ્યોમાં 1લી જાન્યુઆરી 2022થી શરૂ થશે. ખુદ કેન્દ્ર સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી રહી છે.
કેન્ડી અને આઇસક્રીમ પર લગાવતી સ્ટીક, પ્લાસ્ટીકના કપ અને ગ્લાસ તેમજ અન્ય ચીજવસ્તુઓ કે જે પ્લાસ્ટીકમાં પેક થાય છે તેની પર પ્રતિબંધ આવી રહ્યો છે. આરોગ્યને હાનિકર્તા તમામ પ્રકારના પ્લાસ્ટીક પર પ્રતિબંધ આવી રહ્યો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ પર એક સાથે નહીં પરંતુ તબક્કાવાર પ્રતિબંધ મૂકાશે. કેન્દ્રીય પર્યાવરણ વિભાગ દ્વારા આ વર્ષે જાહેર કરાયેલા નોટીફિકેશન અનુસાર કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ અને વિતરણ તેમજ વેચાણ પર 1લી જાન્યુઆરી 2022થી પ્રતિબંધ આવશે.
ગુજરાત સરકારે અત્યાર સુધી પ્લાસ્ટીકના વપરાશ પર નિયંત્રણ મૂકતા ત્રણ નોટીફિકેશન બહાર પાડયા છે પરંતુ તેનો અસરકારક અમલ થતો નથી. બીજા રાજ્યોએ પણ પ્રતિબંધ મૂક્યા છે પરંતુ તેની કોઇ અસર નથી તેથી ખુદ કેન્દ્ર સરકાર આ પ્રતિબંધ મૂકવા માગે છે અને તેના કડક અમલીકરણ માટે તૈયાર છે. પ્રથમ તો સિંગલ યુઝ પ્લાસ્ટીક બનાવતી કંપનીઓ પર ત્રાટકવામાં આવશે અને તેમને ઉત્પાદન બંધ કરવા ફરજ પાડવામાં આવશે.
પ્લાસ્ટીકમાંથી બનાવેલા કાન સાફ કરવાના બડ, ફુગ્ગા અને ભારતના ત્રિરંગામાં વપરાતું પ્લાસ્ટિક દૂર કરાશે. એ ઉપરાંત સુશોભનમાં ઉપયોગમાં લેવાતા થર્મોકોલને પણ બંધ કરાશે. સિંગલ યુઝ ચીજવસ્તુઓ જેવી કે 100 માઇક્રોનથી ઓછું હોય તેવી ચીજો જેવી કે પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી, કેક કાપવામાં ઉપયોગમાં લેવાતી છરી, સ્ટ્રો, કન્ટેનર, ઢાંકણ, ટ્રે તેમજ પ્લાસ્ટીકની હલકી બોટલો પર પ્રતિબંધ આવી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iud3Jf
via IFTTT
Post a Comment