અમદાવાદ,તા.25 ઓક્ટોબર 2021, સોમવાર
અમદાવાદ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં નંબર પ્લેટ વગરની ધૂળ ખાતી અનેક ફોર વ્હિલર અને ટુ વ્હિલર ગાડીઓ મહિનાઓથી પડી રહી છે. જે પાર્કિંગ સુવિધામાં અડચણ રૂપ બની રહી છે. એક બાજુ પાર્કિંગ સ્પેસનો અભાવ જોવા મળી રહ્યો છે બીજી બાજુ આવી ગાડીઓ મહિનાઓથી કોઇપણ જાતની મુવમેન્ટ વગર બિનવારસી હાલતમાં ધૂળ ખાઇ રહી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પાર્કિંગને લઇને અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. સ્ટાફ પાર્કિંગમાં લોકો વાહનો પાર્ક કરીને જતા રહે છે. બીજી બાજુ કોઇ જોનાર, રોકનાર કે ટોકનાર નથી. સામાન્ય દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના બે લાખથી વધુ મુસાફરોની અવર-જવર રહેતી હોય છે. તેવી સ્થિતિમાં પાર્કિંગ પોલીસી કડક ,સુવ્યવસ્થિત, આયોજનબદ્ધ હોવી જરૂરી છે.
બીજી બાજુ આરપીએફ અને જીઆરપી દ્વારા જપ્ત કરાયેલા વાહનો પણ સ્ટેશનના પાર્કિંગ સ્પેસમાં જગ્યા રોકીને ઉભા છે. પોલીસ કેસવાળા વાહનોને જનરલ પાર્કિંગથી અલગ તારવીને તેને અન્ય જગ્યાએ મુકવામાં આવે તેવી મુસાફરોની માંગણી છે. વાહનો ચોરાવાના કિસ્સા બની રહ્યા છે. પોલીસ વાહનચોર કે વાહનને શોધી શકતી નથી.
સ્ટેશન પરિસરની આજુબાજુના કોમ્પ્લેક્ષ, હોટલના વાહનો પણ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરીને લોકો જતા રહે છે. રિક્ષાઓનો અડિંગો જામેલો રહે છે. કાલુપુર, સારંગપુર, રિલિફ રોડ વિસ્તારમાં ખરીદી માટે કે કોઇ કામ અર્થે આવેલા લોકો ટ્રાફિક અને સાંકળા રસ્તાઓની ઝંઝટમાંથી મુક્ત થવા માટે તેમના વાહનો રેલવે સ્ટેશનના પાર્કિગ પ્લોટમાં પાર્ક કરી જતા રહે છે. આ સ્થિતિમાં સ્ટેશનના મુસાફરો, તેમના સગાઓને હાલાકી ભોગવવી પડી રહી છે. પાર્કિંગમાં અવ્યવસ્થા વચ્ચે લોકો પરેશાન છે.
બીજી તરફ સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના મુખ્ય દરવાજાઓ પાસે મોટી સંખ્યામાં ટેક્સી, રિક્ષાઓના ગેરકાયદે પાર્કિંગ બની ગયા છે. જેના કારણે પીક અવર્સમાં ચક્કાજામની સ્થિતિ સર્જાય છે.સ્થાનિક પોલીસ આંખઆડા કાન કરી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZnTEmA
via IFTTT
Post a Comment