
અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સક્રિય કેમિસ્ટના સરનામા પર બોગસ જીએસટી રજિસ્ટ્રેશન લઈ લેવામાં આવ્યું છે. આ રજિસ્ટ્રેશન લેવા માટે ૨૦૧૪માં મૃત્યુ પામેલા વૃદ્ધ બળદેવભાઈ છગનભાઈ સારદિયાના આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૃતકના આધારકાર્ડ પર ભાવેશ રાઠોડનો ફોટો લગાવી દેવાયો છે. લોટસ એન્ટરપ્રાઈસને નામે લેવામાં આવેલા જીએસટીના આ રજિસ્ટ્રેશન પર ૩૫ જેટલા ઇન્વોઈસ બનાવી દેવાયા છે અને લાખોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી પણ લેવાઈ છે. આ અંગે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓન લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ રજિસ્ટ્રેશન નંબર પર પડેલા બિલમાં સ્ટીલના ભંગારના વેચાણને લગતા બિલ હોવાની શક્યતા છે. જીએસટી રજિસ્ટ્રેશન લેનાર કંપનીના માલિકનું નામ ભાવેશ ભાયાભાઈ રાઠોડ દર્શાવવામાં આવ્યું છે. મૃત બળદેવભાઈના આધારકાર્ડ પર ભાવેશ રાઠોડનો ફોટો લગાડી દેવામાં આવ્યો છે.તેને આધારે રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેચરીને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બોગસ અરજી પર અરજદારે GSTNo.24AOPPR4443H1ZN મેળવી લીધો છે. આ કથિત બોગસ નંબર પર ઈ-વે બિલ પણ ઇશ્યૂ કરાવી લેવામાં આવ્યા છે. બોગસ બિલિંગ કરનારાઓ સાથે જીએસટી કચેરીના અધિકારીઓની મિલીભગત હોવાનો અત્યાર સુધીમાં થતાં આવેલા આક્ષેપોને સમર્થન મળે છે. આ નંબરની ફાળવણી કરતાં પૂર્વે જીએસટીના અધિકારીઓ સ્પોટ વિઝીટ લીધી હોત તો આ રીતે રજિસ્ટ્રેશન મેળવવું શક્ય જ નથી.
આ અંગે જીએસટી કચેરીને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાંય રજિસ્ટ્રેશન નંબર રદ કરવામાં આવ્યો નથી.આ અગાઉ જ બોગસ બિલિંગનું એપી સેન્ટર ભાવનગર હોવાનું પણ આ સાથે જ ફરી એકવાર પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ભાડાં કરાર કરી આપનાર નોટરીની પણ તપાસ થવી જોઈએ. ગુજરાતના નાયબ વેરા કમિશનર- વર્તુળ ૩ને પણ આ ફરિયાદ કરવામાં આવી છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવામાં આવી છે. તેમાં ઉપરોક્ત જીએસટી રજિસ્ટ્રશનધારક સાથે તેમને સ્નાનસૂતકનોય સંબંધ ન હોવાનંપ દર્શાવવામાં આવ્યું છે.
જીએસટી નંબર લેવા માટે અરજી કરનાર પાસેથી ઘરનું એડ્રેસ મળી રહે તે માટે તેનો આધારકાર્ડ અને પાન કાર્ડ પણ માગવામાં આવે છે. આ પાનકાર્ડને આધારે બોગસ રજિસ્ટ્રેશન લેનારને લૉકેટ પણ કરી શકાય છે.તેના ફોટા પણ લેવામાં આવેછે.
દરેક વ્યક્તિએ તેમના આધારકાર્ડની નકલ આપતા પૂર્વે પૂરતી કાળજી લેવી જોઈએ. તેમ જ જીએસટી કચેરીના અધિકારીઓએ આધારકાર્ડને સરકારના આધારકાર્ડના રૅકોર્ડ સાથે સરખાવીને પછી જ તેને આધારે રજિસ્ટ્રેશન આપવાનો નિર્ણય લેવો જોઈએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bl77sz
via IFTTT
إرسال تعليق