ધોળકામાં 7 કરોડના ખર્ચે બનેલા સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય


- કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા માંગ

- ઉદઘાટન કર્યા બાદ પણ સ્ટ્રીટલાઇટ સહિતના કામ હજુ અધૂરું : તાકીદે કામ પૂર્ણ કરવાની માંગણી

બગોદરા : ધોળકા શહેરમાં રૂા. ૭ કરોડના ખર્ચે બનેલા સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે અને ઉદઘાટન કર્યા બાદ પણ સ્ટ્રીટ લાઇનટ સહિતના કામ હજુ અધૂરા હોવાનું સામે આવ્યું છે અને પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા શહરના મધીવા વિસ્તારમાં અંદાજે ૭ કરોડના ખર્ચે વિરાટ સરોવર બનાવવામાં આવ્યું છે સરકાર અને તંત્ર દ્વારા બનાવવામાં આવેલા સરોવરના કામને લોકો આવકારે છે પરંતુ હાલ આ સરોવર ગંદકીથી ખદબદે છે ને દુર્ગંધ મારે છે જેના કારણે અહીં આવતા લોકો તથા રહેણાંક વિસ્તારના લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સરોવરમાં આ ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે.  હાલ મલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય  રોગ વધવાની શક્યતા  દેખાઈ રહી છે. આવા રોગચાળો ફેલાતા વાર લાગતી હોતી નથી. મચ્છરજન્ય રોગો ફેલાવવાનું આ મુખ્ય કેન્દ્ર બની શકે છે. નાગરિકો કહે છે કે આવી ગંદકી દેખાઈ રહી છે છતાં અધિકારીઓ કે સત્તાવાળાઓ દવાનો છંટકાવ પણ કરતા નથી. આ સત્તાવાળાઓના વાંકે નાગરિકોને પરેશાની વેઠવી પડે છે.

આ સરોવરનું કામ અધૂરું હોવા છતાં મહિનાઓ પહેલા ઉદ્ધાટન કરી નંખાયું હતું અને હાલમાં પણ સ્ટ્રીટ લાઇટો સહિતના કામો કરવાના બાકી છે છતાં ધોળકા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના બિલો પાસ કરી દીધા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લોકોની માંગ છે કે સરોવરની સ્વચ્છતા કરવામાં આવે અધૂરા કામ પૂરા કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરી ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XDQQkC
via IFTTT

Post a Comment

أحدث أقدم