પોલીસ દળમાં 11,841 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ, યુવાનોમાં ઉસ્તાહ

અમદાવાદ,તા.23 ઓક્ટોબર 2021, શનિવાર

ગુજરાત પોલીસમાં પીએેસઆઇ, કોન્સ્ટેબલ, એસ.આર.પી.એફ કોન્સ્ટેબલની કુલ ૧૧,૮૪૧ જગ્યાઓ ભરતી નીકળતા યુવાનોમાં ભારે ઉસ્તાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.એફ. માટે આજે તા.૨૩ ઓક્ટોબરથી ફોર્મ ભરાવાની શરૂ થઇ ગઇ છે ઓનલાઇન ફોર્મ તા. ૯ નવેમ્બર ૨૦૨૧ સુધી ભરી શકાશે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પીએસઆઇની ૧,૩૮૩ જગ્યાઓ માટે ગત તા. ૫ ઓક્ટોબોરથી ફોર્મ ભરાવાની કામગીરી ચાલી રહી છે છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર હતી હવે તેને  લંબાવીને તા.૨૭ ઓક્ટોબર કરી દેવાઇ છે. યુવાનોએ પોલીસ ફોર્સમાં ભરતી થવા માટેની શારીરિક અને લેખિત પરીક્ષાને લગતી તૈયારીઓ પણ આરંભી દીધી છે.

પોલીસ દળ વર્ગ-૩ ની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે બમ્પર ભરતી હાથ ધરાઇ છે. જેમાં ૮,૪૭૬ જગ્યાઓ પર પુરૂષ ઉમેદવાર અને ૧,૯૮૩ જગ્યા માટે મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ૩,૪૯૨ પુરૂષ અને ૧,૭૨૦ જગ્યા પર મહિલાઓની ભરતી થનાર છે. હથિયારધારી પોલીસમાં પુરૂષની ૫૩૪ અને મહિલાઓની ૨૬૩ જગ્યાઓ પર ભરતી થશે. જ્યારે એસ.આર.પી.એફ.માં તમામ ૪,૪૫૦ જગ્યાઓ પર પુરૂષ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે.

વય મર્યાદા જનરલ કેટેગરી માટે લઘુતમ ૧૮ વર્ષથી લઇને ૩૪ વર્ષ રખાઇ છે. તા.૯-૧૧-૧૯૮૭ થી તા.૯-૧૧-૨૦૦૩ સુધીમાં જન્મેલા હોવા જોઇએ. ધોરણ ૧૨ પાસ અથવા તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત માંગી છે.જનરલ કેટેગરી સિવાયના વર્ગને વયમર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે.

પુરૂષ ઉમેદવારોએ ૨૫ મિનિટમાં ૫,૦૦૦ મીટર દોડ પુરી કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ ૧,૬૦૦ મીટર દોડ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં પુરી કરવાની રહેશે. જ્યારે એક્સ સર્વિસ મેને ૨,૪૦૦ મીટર દોડ ૧૨ મિનિટ ૩૦ સેકન્ડમાં પુરી કરવાની રહેશે.

આ વખતે પોલીસ ભરતીમાં શારીરિક કસોડી પાસ કરનાર એટલેકે ૨૫ મિનિટમાં પાંચ પાંચ કિલોમીટર દોડનાર પુરૂષ તથા ૯.૫ મિનિટમાં ૧,૬૦૦ મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ, વજન, છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બેસવાની તક મળશે.એટલેકે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ૧૫ ગણા અને પોલીસ કોન્સ્ટેબલમાં ૮ ગણા ઉમેદવારો લેવાની જોગવાઇ રદ કરાઇ છે. શારીરિક કસોટીમાં પાસ થનાર દરેક ઉમેદવાર લેખિત પરીક્ષામાં બેસી શકશે.

પીએસઆઇની ભરતી માટે ગત માર્ચ માસમાં એનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. પરંતુ કોરોનાકાળના લીધે મોટાભાગના ઉમેદવારો અરજી કરી શક્યા નહતા. તેઓને તક આપવા માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા ફરીથી હાથ ધરાઇ છે. કોરોનાકાળમાં ભરતી પ્રક્રિયા અટકી પડી હોવાથી સિધી ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટ અપાઇ છે. તા.૧-૯-૨૦૨૧ થી તા.૩૧-૮-૨૦૨૨ સુધીના સમયગાળામાટે છુટ અપાઇ છે.

પોલીસ દળમાં ભરતી થવા માટે યુવાનોએ મેદાનમાં દોડવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ અમદાવાદમાં મોટાભાગના બાગ-બગીચા, મેદાન પોલીસ દળમાં ભરતી થવા માંગતા યુવાનો દોડ લગાવતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સાઇબર કાફેમાં પણ ઓનલાઇન અરજી કરવા માટે લાઇનો લાગી ગઇ છે. લાંબા સમય બાદ ભરતી નીકળતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jvmad6
via IFTTT

Post a Comment

Previous Post Next Post