મણિનગર, વટવામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ

અમદાવાદ,તા.27 સપ્ટેમ્બર 2021, સોમવાર

પૂર્વ અમદાવાદમાં સોમવારે બપોરે ૧૨ થી ૧ ના ગાળામાં એક કલાકમાં જ એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે મણિનગરમાં સવારે ૧૧ થી ૧ માં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મધ્ય, પૂર્વ અને ઉત્તર ઝોનમાં વરસાદી છાંટા પડયા હતા. બપોરે ૨ વાગ્યા પછી વરસાદ ખમી ગયો હતો. જોકે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મોડી રાતે ભારે વરસાદ તૂટી પડશે તેવો માહોલ જોવા મળ્યો હતો.

સોમવારે સવાર પડતાની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનો પ્રકાશ દેખાતો નહતો. દિવસ ચઢતો ગયો તેમ પૂર્વ અમદાવાદમાં અમુક વિસ્તારોમાં વાદળા હટવા માંડતા સૂર્યના કિરણો જોવા મળ્યા હતા. આ સમયે પશ્ચિમ અમદાવાદમાં અડધાથી બે ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.

પશ્ચિમ અમદાવાદમાં બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા, ચાંદલોડિયામાં બે ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. પાલડી, ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ, સરખેજ , જોધપુર, બોપલ, મક્તમપુરામાં એક ઇંચથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ જોતા પૂર્વમાં પણ હમણા વરસાદ તૂટી પડશે તેવા અનુમાન વચ્ચે લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. જરૂરી કામ અર્થે જવાનું હોય તો છત્રી કે રેઇનકોટની વ્યવસ્થા કરીને લોકો બહાર નીકળ્યા હતા.

અમદાવાદના નદી પારના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો જ્યારે પૂર્વ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં  દિવસ દરમિયાન તાપ નીકળેલો જોવા મળ્યો હતો. ફક્ત મણિનગર અને વટવામાં એક ઇંચ વરસાદ પડયો હતો.  એક કલાકના ટૂંકા ગાળમાં એક ઇંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પૂર્વના અન્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડયા હતા. નિકોલ, કઠવાડા, નરોડામાં બિલકુલ વરસાદ પડયો નહતો.

વિરમગામ, માંડલમાં એક ઇંચ વરસાદ પડયો

અમદાવાદ જિલ્લામાં વિરમગામ, માંડલમાં આજે સોમવારે એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો. ધંધૂકામાં ૮ મિ.મી., ધોળકામાં ૧૧ મિ.મી., દેત્રોજમાં ૯ મિ.મી., દસક્રોઇમાં ૮ મિ.મી., ધોલેરામાં ૧૬ મિ.મી. અને સાણંદમાં ૧૩ મિ.મી.વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના તાલુકાઓમાં સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી જ વરસાદી સિસ્ટમ સક્રિય બની હતી. જેમાં સવારે ૮ થી લઇને બપોરના  ૨ વાગ્યા સુધીમાં રહી રહીને એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ વિરમગામમાં ૩૦ મિ.મી.વરસાદ પડયો હતો. માંડલમાં ૨૭ મિ.મી.વરસાદ પડયો હતો. જ્યારે ધોેલેરામાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બાવળામાં આજે બિલકુલ વરસાદ પડયો નહતો.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AQwdjq
via IFTTT

Post a Comment

أحدث أقدم