રિવરફ્રન્ટનું ગૌરવ તો લેવાય છે, પરંતુ સાબરમતીમાં પ્રદૂષણનું શું : હાઇકોર્ટ


સાબરમતીમાં પ્રદૂષણ અંગેના સુઓમોટોમાં ટકોર

સુપ્રીમ કોર્ટના આદેશ ટાંકીને સમાધાન નહીં નીકળે, હવે દરેક જવાબદારોના કાન આમળવાની અમે શરૂઆત કરીશું : કોર્ટ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે આજે ટકોર કરી હતી કે એક તરણ આપણે સાબરમતી નદીના તટ પર બનેલા શ્રેષ્ઠ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું ગૌરવ લઇએ છીએ અને બીજી તરફ તે જ સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી અને અન્ય ગંદકી છોડીને તેને પ્રદૂષિત પણ કરીએ છીએ.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આજે એવી ટકોર પણ કરી હતી કે ઉદ્યોગોને માત્ર તેમના દૂષિક કેમિકલ અને કચરાનો નિકાલ થાય તેટલી જ દાનત છે. સુપ્રીમ કોર્ટના આદેશો ટાંકી હવે આ સમસ્યાનું સમાધાન નહીં આવે, દરેક જવાબદારના કાન આમળવાની શરૂઆત હવે આ કોર્ટ દ્વારા કરવામાં આવશે. કોર્ટે વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

સાબરમતી નદીમાં પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં એમિકસ ક્યુરી (કોર્ટ મિત્ર) તેમજ વિવિધ પક્ષકારોની રજૂઆત સાંભળી ખંડપીઠે નોંધ્યું છે કે તમામ રજૂઆતોના અંતે અમારી સામે જે ચિત્ર આવ્યું છે તે વિચલિત કરનારું છે.

કેચમેન્ટ એરિયામાં જે સુએજ લાઇન છે તેનું પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ થયા બાદ સીધું તેને સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે. સુએજ જો યોગ્ય રીતે ટ્રીટ થયેલું હોય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપદંડ પ્રમાણે નિકાલ થતો હોય તો કોઇ સમસ્યા નથી પરંતુ તેવી રીતે નિકાલ કરવામાં આવતો નથી.

કોર્ટે નોંધ્યું છે કે સૌથી પહેલી જરૂર સાબરમતીમાં ગેરકાયદે પ્રદૂષિત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે પગલાં લેવાની છે. આ એકમો દ્વારા ઝેરી અને પ્રદૂષિત પાણી નદીમાં છોડવા માટે ગેરકાયદે પાઇપલાઇન ઉભી કરવામાં આવી છે.

કોઇ ઔદ્યોગિક એકમ ઉચ્ચ સ્તરની સલામતી વિના પ્રદૂષિત પાણી નદીમાં છોડવાનું દુસ્સાહસ કેવી રીતે કરી શકે? કદાચ તેમના ઘર આ વિસ્તારમાં નહીં હોય એટલે તેઓ અન્ય લોકોને આ નર્કરૂપી સમસ્યામાં ધકેલી રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yyJnzy
via IFTTT

Post a Comment

Previous Post Next Post