અમદાવાદ, રવિવાર
વૈષ્ણોદેવી પાસેથી પોલીસે ઓડી કારમાં જઈ રહેલા શખ્સની જડતી લેતા તેની પાસેથી પિસ્ટલ મળી આવી હતી. તે સિવાય તે દારૃના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. આથી સોલા પોલીસે સુરેન્દ્રનગરના આ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સોલા પોલીસ ૨૬ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઓગણજ એસ.પી.રિંગ રોડ ગ્રીનવુડ રિસોર્ટ પાસે આવતા માહિતી મળી હતી કે એક શખ્સ ઓડી કારમાં પિસ્ટલ સાથે ઓગણજ સર્કલ તરફથી આવવાનો છે. જેને આધારે પોલીસે વૈષ્ણોદેવી નજીક ગ્રીનવુડ રેસીડેન્સી પાસે જાળ બિછાવીને ઓડી કાર અટકાવી હતી.
પોલીસે કાર ચાલકને કારમાંથી ઉતારીને તપાસ કરતા તે દારૃના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે તેનું નામ પુછતા તેણે તેનું નામ કુલદીપસિંહ લાલભા નકુમ (૨૫) તથા તે સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અંગજડતી લેતા તેની કમરમાં ભરાવેલી પિસ્ટલ મળી આવી હતી. મેઈડ ઈન જર્મની લખેલી આ પિસ્ટલનું લાયસન્સ તેની પાસે ન હોવાનું તેણે પોલીસને કહ્યું હતું. આથી પોલીસે રૃ.૧૦,૦૦૦ની કિંમતની પિસ્ટલ અને ૧૦ લાખની કિંમતની ઓડી કાર કબજે કરી હતી. સોલા પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ તથા દારૃના નશામાં કાર હંકારવાના બે અલગ અલગ ગુના નોંધ્યા હતા. આ પિસ્ટલ તેણે ક્યાંથી મેળવી તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39CAUl0
via IFTTT
إرسال تعليق