
- લોકડાઉનમાં યુ-ટયૂબ જોઈ નકલી નોટો છાપવાનું શરુ કર્યું
- સાબરમતીનો પરાગ નોટો છાપતો અને ચાર મિત્રોને પચીસ ટકા કમિશનથી નોટો વટાવવા આપતો : 510 નોટ કબજે કરી
- અમદાવાદમાં 40,000 વટાવ્યા, રાજકોટથી 20,000 પાછા આવ્યા
અમદાવાદ : લોકડાઉન દરમિયાન આરટીઓમાં કામ કરવાની છૂટક કમાણી ગઈ એટલે ૧૦૦ અને ૫૦૦ની નકલી ચલણી નોટો છાપવાનું શરુ કર્યું. યુ-ટયૂબ જોઈને નકલી નોટો બનાવનાર સાબરમતીની કિર્તીધામ સોસાયટીમાં રહેતો પરાગ વાણિયા ઉપરાંત નોટો ફરતી કરનાર તેના ચાર મિત્રોને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીએ પકડી પાડયાં છે. ચાર મિત્રોને પચ્ચીસ ટકા કમિશનથી નોટો વટાવવાનું કામ સોંપ્યું હતું. ત્રણ મહિનાની જહેમત પછી એક મહિનાથી નોટો બજારમાં વટાવવાનું શરુ કરતાં ૬૦૦૦૦ની નોટો બજારમાં ફરતી કરાઈ હતી. કુલ ૫૧૦ નોટો સાથે પાંચ આરોપીને ઝડપી એસઓજીએ દિવસના ઉજાસમાં ઓળખાઈ જાય તેવી નકલી નોટો બનાવનાર આરોપી સામે તપાસ શરુ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, સાબરમતી અચેર ડેપો પાસે અમુક યુવકો ૧૦૦ અને ૫૦૦ના દરની નકલી ચલણી નોટો કમિશનથી આપે છે. આ બાતમીના આધારે પીએસઆઈ પી. કે. ભૂત અને ટીમે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે પરાગ ઉર્ફે પકો નરેશભાઈ વાણિયા (ઉ.વ. ૨૫, કિર્તીધામ સોસાયટી, સ્ટેડિયમ રોડ, સાબરમતી), હરેશ ઉર્ફે સલમાન જોઈતારામ ડાભાણી (ઉ.વ. ૩૨, પાર્ક એવન્યુ ફ્લેટ, બહેરામપુરા), વિજય ડામરાભાઈ ડાભાણી (ઉ.વ. ૨૭, રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા), કિરણ સવજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૧, રહે. રાજીવનગર સોસાયટી, નારોલ) અને દિવ્યાંગ રામાભાઈ ડાભાણી (ઉ.વ. ૨૨, રહે. રાજીવનગર સોસાયટી, નારોલ)ને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ૫૦૦ના દરની ૪૧૪ અને ૧૦૦ના દરની ૧૯૬ મળી કુલ ૫૧૦ નકલી નોટો કબજે કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ એસઓજીના પી.આઈ. એ.ડી. પરમારે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓ પૈકી પરાગ વાણીયા સુત્રધાર છે. પરાગ આરટીઓમાં છૂટક નોકરી કરતો હતો તે લોકડાઉન દરમિયાન છૂટી ગઈ હતી. બેકાર બનેલા પરાગે યુ-ટયૂબ ઉપર નકલી ચલણી નોટો કેવી બનાવવી તે જોવાનું શરુ કર્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી પરાગે આસાનીથી બજારમાં ફરતી કરી શકાય તે માટે ૧૦૦ અને ૫૦૦ના દરની નકલી નોટો બનાવવા તમામ પ્રયાસો શરુ કર્યા હતા.
એક મહિનાથી ચાર મિત્રો હરેશ, વિજય, કિરણ અને દિવ્યાંગને જેટલી નોટો વટાવે તેના ઉપર પચ્ચીસ ટકા કમિશનની લાલચ આપીને નોટો બજારમાં ફરતી મુકાવી હતી. સાબરમતીમાં રહેતા પરાગે ત્રણ મહિનાથી નારોલમાં મકાન ભાડે રાખ્યું હતું. આ મકાનમાં જ કોમ્પ્યુટર પર બનાવેલી અલગ અલગ સિરીઝ, નંબરની નોટો પ્રિન્ટ અને કટિંગ કરવામાં આવતી હતી. દિવસના અજવાળામાં આસાનીથી ઓળખાઈ જાય તેવી વોટર માર્ક્સ વગરની અને લીસ્સા કાગળ ઉપર રહેલી નોટો ઓળખાઈ જાય તેવી હતી.
આથી, બનાસકાંઠાથી મિત્રોને બોલાવી પરાગ પચ્ચીસ ટકા કમિશનથી નોટો માર્કેટમાં મુકવાનું શરુ કર્યું હતું. અમદાવાદમાં ૪૦૦૦૦ની અને રાજકોટમાં ૨૦૦૦૦ની નકલી નોટો ફરતી કરાઈ હતી. રાજકોટથી ૨૦૦૦૦ની નોટો પરત આવ્યાની કેફિયત આરોપીઓએ આપી છે. જ્યારે, અમદાવાદમાં કુલ ૪૦૦૦૦ની ૧૦૦ અને ૫૦૦ની નોટો જુદા જુદા વિસ્તારમાં ફરતી થઈ ચૂકી છે. પોલીસે કુલ ૫૧૦ નોટો સાથે પાંચ આરોપીને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
આસાનીથી ઓળખી શકાય તેવી નકલી નોટો વટાવવા સાંજ પછી અંધારામાં પેટ્રોલ પમ્પ, શાકમાર્કેટમાં જતાં
કોમ્પ્યુટર ઉપર તૈયાર કરેલી અને તેના જ પ્રિન્ટરમાં છાપેલી નકલી નોટો દિવસે આસાનીથી ઓળખી શકાય તેવી હતી. આ કારણે પાંચ ભેજાંબાજ મિત્રોએ સાંજ પડે એટલે અંધારામાં જ નોટો વટાવવાનું શરુ કર્યું હતું. હરેશ ઉર્ફે સલમાન ડાભાણી અને વિજય ડાભાણી ખાસ કરીને પેટ્રોલ પમ્પ ઉપર ૫૦૦ રુપિયાની અને શાક માર્કેટમાં ૧૦૦ રુપિયાની નોટો વટાવતા હતા. અનેક જગ્યાએ તો ૫૦૦ કે ૧૦૦ રુપિયાના છૂટ્ટા માગીને નકલી નોટો વટાવવામાં આવી હતી. એક મહિનામાં કુલ ૬૦૦૦૦ની નકલી નોટો બજારમાં ફરતી કરાઈ હોવાની વિગતો પોલીસને મળી છે.
નારોલના મકાનમાં છાપેલી નકલી નોટોનું કટિંગ રોજગારી માટે આવેલા બનાસકાંઠાના બે યુવક કરતા
પકડાયેલા આરોપીઓમાં કિરણ સોલંકી અને દિવ્યાંગ ડાભાણી મુળ બનાસકાંઠાના વતની છે. બીએસસી, આઈટીનો અભ્યાસ કરતા વિજય અને હરેશ રોજગારી માટે અમદાવાદ આવ્યાં હતાં. નારોલ ખાતે મકાન ભાડે રાખી પરાગ નોટો છાપતો હતો તેનું કટિંગ કરવાનું કામ હરેશ અને વિજય કરતા હતા. હરેશ ડાભાણી, વિજય ડાભાણી, કિરણ સોલંકી અને દિવ્યાંગ ડાભાણી જેટલી નકલી નોટો વટાવતા હતા તેમાં પચ્ચીસ ટકા કમિશન પરાગ આપતો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39PfO31
via IFTTT
إرسال تعليق