મ્યુનિ.ની ટ્રંકલાઈનમાં ભંગાણ પડતા રિક્ષા ચાલક 15 ફૂટના ખાડામાં ગરકાવ


સરખેજમાં મંગળવારે સવારે બનેલી ઘટના

15 ફૂટ ઊંડા ખાડામાંથી ચાલકને લોકોએ બહાર કાઢયો, ફાયર વિભાગે રિક્ષાને કાઢી

અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંબર ટાવર પાસે મંગળવારે સવારના સુમારે બનેલી ઘટનામાં મ્યુનિ.ની મેઈન 2200 મીટર ડાયા ધરાવતી ટ્રંક લાઈનમાં ભંગાણ પડતા ત્યાંથી પસાર થઈ રહેલો રીક્ષા ચાલક પંદરફૂટ ઉંડા ખાડામાં ગરકાવ થતા સ્થાનિકોએ ભારે જહેમતને અંતે તેને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે મોકલી આપ્યો હતો.

ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચતા ખાડામાં પડેલી રીક્ષાને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.આ ઘટના બાદ મ્યુનિ.તંત્રે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બેરીકેડસ મુકયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ,સવારના સાતના સુમારે અમદાવાદ ફાયર વિભાગને સરખેજના અંબર ટાવર પાસે 15 ફૂટના ખાડામાં રીક્ષા સાથે ચાલક ગરકાવ થયો હોવાનો કોલ મળતા ફાયરની ટીમ રેસ્કયૂ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પરંતુ ફાયરની ટીમ પહોંચે એ અગાઉ સ્થાનિકો દ્વારા ખાડામાંથી રીક્ષા ચાલકને બહાર કાઢી લેવામાં આવ્યો હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. દરમ્યાન ફાયરની ટીમે ક્રેઈનની મદદથી ખાડામાં પડેલી રીક્ષાને બહાર કાઢી હતી.

દક્ષિણ-પશ્ચિમ ઝોનના એડીશનલ સીટી ઈજનેરની મળેલી પ્રતિક્રીયા મુજબ,આ સ્થળેથી મેઈન ટ્રંક લાઈન પસાર થાય છે.સતત બે દિવસ પડેલા બે-બે ઈંચ વરસાદને કારણે આગળના વિસ્તારોમાંથી આવતા પાણીનો પ્રવાહ એકાએક વધી જતા આ લાઈનમાં ભંગાણ પડવા પામ્યુ હતું.આ ઘટના બાદ મ્યુનિ.તંત્રે સમારકામની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3izJUMT
via IFTTT

Post a Comment

Previous Post Next Post