અમદાવાદ,તા.27 ઓગષ્ટ 2021, શુક્રવાર
આજે શનિવારે રાંધણ છઠ નિમિતે દરેક ઘરોમાં વિવિધ ભોજન બનાવવામાં આવશે. સાતમે ટાઢું ખાવાની પ્રથા હોવાથી છઠના દિવસે બે દિવસની રસોઇ બહેનો એકસામટી બનાવી દે છે. શિતળા માતાની કૃપાદ્રષ્ટિ મેળવવા, બાળકોના આરોગ્ય અને ઘરમાં સુખ-શાંતિ રહે તે
માટે શિતળા માતાની પૂજા કરવામાં આવે છે. સાતમના દિવસે ચુલો કે સગળી સળગાવવામાં આવતા નથી. પૂર્વ અમદાવાદમાં દરેક ઘરમાં બહેનો રાંધણ છઠ અને સાતમની ઉજવણીની તૈયારીમાં લાગી ગઇ છે. આજે શનિવારે દરેક ઘરમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવશે.
શ્રાવણ વદ છઠને રાંધધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રસોઇ બનાવ્યા બાદ દરેક બહેનો સગળી-ચુલા વગેરે સાધનોની પુજા કરે છે. તેથી અગ્ની દેવતાની પૂજા સમાન ફળપ્રાપ્તી થાય છે. પૂર્વ અમદાવાદમાં હાટકેશ્વર-ભાઇપુરામાં ૧૩૨ ફૂટના રિંગ રોડ પર શિતળા માતાજીનું મંદિર આવેલું છે આ ઉપરાંત ખોખરામાં મદ્રાસી મંદિર પાસે શિતળા માતાનું મંદિર આવેલું છે. જ્યાં આ બંને દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટશે.
આ અંગે પુરાણી મહેન્દ્ર મહારાજના જણાવ્યા મુજબ પૂજન કર્યા પછી ચુલાની મધ્યમાં માટીનો દડો બનાવી તેમાં આંબાનો રોપ રોપવામાં આવે છે. જેથી કરીને અગ્નિ નારાયણને સ્ત્રીઓ પ્રાર્થના કરે છે કે રસોઇમાં કોઇ ક્ષતિ હોય અથવા તે અગ્નિ નારાયણનો કોઇ દોષ રહ્યો હોય તો તેની ક્ષમા પ્રાર્થના કરવામાં આવે છે.તે દિવસે ખેડૂતો ખેતરમા ઓજારોની અને વેપારીઓ તેમના ત્રાજવાની પુજા કરે છે.
ચુલો ન સળગાવવાનું કારણ અથવા ચુલો રાત્રે ઠારવાનું કારણ એ છેકે રાત્રે શિતળા માતાજી માતાજીના સ્વરૂપે પ્રદક્ષિણામાં નિકળતા હોય છે. જેથી ચુલો સળગતો હોય તો માતાજીના શરીરને અગ્નિ દઝાડતો હોય તેવું માનવામાં આવે છે.જેથી માતાજીનો ક્ષાપ પણ લાગે છે.મધરાત્રિ પહેલા અગ્નિ ઠારી દેવાય છે. અગ્નિની જ્વાળાઓને શાંત કરી દેવાય છે.
બીજા દિવસે સાતમના દિવસે બહેનો આખો દિવસ ચુલો કે સગળી પ્રગટાવતા નથી. તે દિવસે માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે. બાળકો માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવતી હોય છે. તે દિવસે સાવરણી કે સુપડું વપરાતા નથી કારણકે આ બંને વસ્તુઓ માતાજીએ પોતાના હાથમાં રાખી હોય છે. શિતળા સાતમે તેનો ઉપયોગ ન કરવાથી પરિવારનું આરોગ્ય જળવાઇ રહે છે તેવું માનવામાં આવે છે.
'ઓમ શ્રી શિતલાય નમઃ' મંત્રનો ઉચ્ચારણ કરી દેવીની સ્થાપના કરી શિતળા દેવીનું ધ્યાન ધરી પોતાના પરિવારની સુખ, શાંતિ અને આરોગ્ય માટેની પ્રાર્થના કરવામાં આવે છે. ચુલા કે સગળીએ સાથિયો કરી, કંકુથી પાંચ ચાલ્લા કરવામાં આવે છે.ચોખા ચઢાવી પુષ્પ મુકી નમસ્કાર કરવામાં આવે છે. રસોઇમાં ગેસ વિશેષ રૂપે બનાવવામાં આવે છે.
બાળકોના આરોગ્ય માટે પાંચ ઘરેથી ટાઢું માંગીને ખાવાની બાધા માતાઓ રાખે છે
બાળકોને ઓરી-અછબડા વગેરે પધાર્યા હોય તો માતાઓ બાળકોના આરોગ્યની સુખાકારી માટે શિતળા માતાની બાધા રાખે છે. કુલેક, સુખડી, શ્રીફળ માતાજીને ધરાવાય છે અને બાધા પૂર્ણ કરાય છે. બાળકોના આરોગ્યની સુખાકારી માટે માતાઓ 'ભીખારવો' કર્યા હોવાથી માતા પાંચ ઘરેથી ટાઢું માંગીને માતાજીને ધરાવ્યા બાદ ભોજન ગ્રહણ કરતી હોય છે. સવા પાંચ વર્ષ સુધી બાળકને સ્વજનો અથવા તે પડોશીએ આપેલા કપડા પહેરાવવાની પણ બાધા રખાતી હોય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zsDgym
via IFTTT
Post a Comment