અમદાવાદ,તા.25 ઓગષ્ટ 2021, બુધવાર
સિંગરવા ગામે ગત તા. ૨૩ ઓગષ્ટના રોજ વધુ એક મલેરિયાનો કેસ મળી આવતા જિલ્લા આરોગ્યતંત્ર ગામની મુલાકાતે દોડી આવ્યું હતું. તપાસમાં સમુદ્ર વીલા ડુપ્લેક્સ અને અંતરિક્ષ કન્ટ્રક્શન સાઇટમાંથી મચ્ચરોના મોટાપાયે બ્રિડિંગ મળી આવ્યા હતા. બંને સાઇટોને નોટિસ ફટકારીને ૨૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
ગત તા.૧૪ ઓગષ્ટે સિંગરવાની વિરલ રેસિડેન્સીમાંથી મલેરિયાનો કેસ મળ્યા બાદ ફોગિંગની કામગીરી કરાઇ હતી. તેમ છતાં વધુ એક મલેરિયાનો કેસ મળી આવતા જિલ્લાતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
અમદાવાદ જિલ્લા મલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ મલેરિયાના બીજા દર્દીની મુલાકાત લેવામાં આવી હતી. તેની સોસાયટીમાં કોઇપણ જાતના મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા નહોતા પરંતુ તેની સોસાયટીની પાછળ કન્ટ્રક્શન સાઇટો ચાલે છે ત્યાં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા હતા.
આ મામલે બંને સાઇટોને નોટિસ અને દંડ ફટકારાયો છે. ફોગિંગની કામગીરી ઝડપી અને અસરકારક બનાવાશે. વિશેષ અભિયાન ચલાવીને મચ્છરોની ઉત્પતિવાળા સ્થાનોને શોધી તેમને ભારે દંડ ફટકારવામાં આવશે. સિંગરવાની તમામ કન્ટ્રક્શન સાઇટોની સ્થળ મુલાકાત લેવાશે.
નોંધપાત્ર છેકે જિલ્લામાં આ ત્રીજો કેસ મલેરિયાનો સામે આવ્યો છે. સિંગરવામાં બીજો કેસ મળ્યો છે. પૂર્વ અમદાવાદમાં ગંદકી, ગંદા પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જેના કારણે ડેન્ગ્યું, મલેરિયા સહિતના મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. જિલ્લા આરોગ્યતંત્રની સાથે મ્યુનિ.કોર્પોરેશને પણ તેની હદમાં ગામડાઓને અડીને આવેલા વિસ્તારોમાં ફોગિંગ, દવાના છંટકાવની કામગીરી કરવી જોઇએ તેવી શહેરીજનોની માંગણી ઉઠી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3myWOxa
via IFTTT
Post a Comment