ધોળકા તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા ડાંગરનો પાક મુરઝાવા લાગ્યો


- સિંચાઇ વિભાગ દ્વારા તાકિદે પાણી છોડવા માગ

- ખેડૂતોએ બિયારણ, દવા અને ખાતરના લખલુટ ખર્ચા કર્યાં પણ પાણી ન મળતા માથે ઓઢી રોવાનો વારો આવ્યોં

બગોદરા : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ સારો વરસાદ થવાની આશાએ હોશેહોશે ડાંગરના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા ઘણાં સમયથી વરસાદે વિરામ લેતા ડાંગરનો ધરૂ સુકાવવા લાગ્યું છે. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા પણ નર્મદા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડવાની ભીતિ સેવી રહ્યાં છે. તંત્ર દ્વારા તાકિદે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. 

બાવળા, બગોદરા અને ધોળકા સહિતના વિસ્તારોમાં દર વર્ષે ડાંગરના પાકનું નોંધપાત્ર વાવેતર થાય છે. પાકને અનુકૂળ વરસાદ અને બાદમાં સિંચાઇનું પુરતું પાણી મળી રહેતા મબલક ઉત્પાદન થતું હતું. જોકે, ચાલું વર્ષે પણ ખેડૂતોએ ડાંગરનું જંગી ઉત્પાદન મેળવવાની આશાએ ખાતર, દવા, બિયારણનો ખર્ચો કરીને વાવણી શરૂ કરી દીધી હતી. 

જોકે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે ત્યારે જિલ્લાના ડાંગર પકવતા વિસ્તારોમાં પણ પાણીની તંગી સર્જાતા ખેડૂતોને એક માત્ર આધાર નર્મદા કેનાલના પાણી પર હતો એવા સમયે કેનાલમાં એકાએક પાણી બંધ કરી દેવાતા ડાંગરનો ધરૂ સુકાવવા લાગ્યું છે. ધોળકા તાલુકાના કોઠ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના અભાવે ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gGKuHq
via IFTTT

Post a Comment

أحدث أقدم