અમદાવાદ,તા.27 ઓગષ્ટ 2021, શુક્રવાર
ઓઢવમાં છોટાલાલની ચાલી પાસે ગઇકાલે રોડ પર ભૂવો પડયા બાદ આજે શુક્રવારે મુખ્ય રોડ પર પાણીની લાઇનના સમારકામ માટે મોટો ખાડો ખોદી કાઢવામાં આવતા આ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની ગઇ હતી. હજુ ચારેક માસ પહેલા જ આ જગ્યાએ જ ખાડો ખોદાયો હતો જે હવે ફરીથી ખોદી કઢાતા વાહનચાલકો, સ્થાનિક વેપારીઓ અને રહીશો માટે પરેશાની વધી જવા પામી છે.
પૂર્વ અમદાવાદમાં મુખ્ય રોડ ખોદકામ, ભૂવા, ગટરો ઉભરાવા જેવી સમસ્યાથી ઘેરાયેલા છે. શહેરીજનો રોજ આ સમસ્યાનો સામનો પણ કરી રહ્યા છે. મ્યુનિ.તંત્રના યોગ્ય આયોજનના અભાવને લઇને શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સારંગપુરથી લઇને ઓઢવ અને ત્યાંથી અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર જવા માટે આ રોડ મુખ્ય છે. તે જ ખોડી કઢાયો હોવાથી ટ્રાફિકજામની લાંબી લાઇનો લાગી રહી છે.
શુક્રવારે સવારથી જ છોટાલાલની ચાલી પાસે ખોદકામના કારણે એક સાઇડનો આખો રોડ બંધ હોવાથી ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. જે દિવસભર રહી હતી. એક સાઇડના રોડ પર જ તમામ વાહનોની અવર-જવર રહેતા, તેમાંય મોટી ટ્રકો સામેથી આવતા ચક્કજામની સમસ્યા વધુ ગંભીર બનતી ગઇ હતી. પંદરેક મિનિટ સુધી વાહનચાલકોએ ટ્રાફિકમાં ફસાઇ રહેવું પડયું હતું. ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે સ્થાનિક લોકોએ પણ રોડ પર ઉતરી આવવાની ફરજ પડી હતી.
બીઆરટીએસ રૂટ પર પણ વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ નાનું હોવાથી મોટી ટ્રકો તે રૂટ પરથી પસાર થઇ શકતી ન હોવાથી રોંગ સાઇડમાં આ ટ્રકો આવી જતા ભારે ટ્રાફિક રહ્યો હતો.
બપોર બાદ વધુ ટ્રાફિક થઇ જતા વાહનોને વૈકલ્પિક રૂટો પર ડાયવર્ઝન પણ આપવામા ંઆવ્યું હતું. રહીશોના જણાવ્યા મુજબ ચારેક માસ પહેલા પણ આ જગ્યાએ મ્યુનિ.તંત્ર દ્વારા ખાડો ખોદી કઢાયો હતો. જરૂરી મરામત કામ બાદ ખાડો પુરીને નવો રોડ પણ બનાવાયો હતો. હવે પાછું શું થયું કે આ ખાડો પાછો ખોદી કઢાયો છે. વારંવાર રોડ ખોદાવાને કારણે મોટો ખર્ચ થઇ રહ્યો છે. તેની સાથે લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે.
રહીશોની માંગણી છેકે આ વખતે યોગ્ય રીતે અને પુરતું મરામતનું કામ કરવામાં આવે કે જેથી કરીને ભવિષ્યમાં આ જગ્યાએ પાછો ખાડો ખોદવો ન પડે અને શહેરીજનોને હેરાનગતિ ભોગવવી ન પડે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zvntik
via IFTTT
إرسال تعليق