ચૂંટણી પૂર્વે પાટીદારોનો અસંતોષ ઠારવા ભાજપના મરણિયા પ્રયાસો


- જનઆશીર્વાદ યાત્રાના બહાને પાટીદારોનો મૂડ જાણવા પ્રયાસો  

- પાટીદારોને અનામત, પોલીસ કેસ, સરકારી નોકરીનો મુદ્દો ભાજપ સરકાર-સંગઠનના ગળાનું હાડકું બની રહેશે 

- મુખ્યમંત્રીની માંગ ઉઠયા બાદ કેન્દ્રીય કેબિનેટમાં રૂપાલા અને માંડવિયાને સ્થાન અપાયું છતાંય પાટીદારો જૂદા મૂડમાં

અમદાવાદ : વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારોમાં નારાજગીનુ ભૂત ધુણ્યુ છે જેથી પાટીદારોને રિઝવવા ભાજપને રાજકીય ધમપછાડા શરૂ કર્યા છે. એટલું જ નહીં, જનઆર્શિવાદ યાત્રાના બહાને પાટીદારોનો રાજકીય મૂડ જાણવાનો પ્રયાસ કરાયો છે. આ તરફ, પાટીદારોને અનામત આપવી, પાટીદારો સામે પોલીસ કેસ પાછા ખેંચવા અને  પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પાટીદાર મૃતકોના પરિવારજનોને સરકારી નોકરી આપવાનો મુદ્દો ભાજપના ગળામાં હાડકુ બની રહેશે . આ જોતાં પાટીદારોને મનાવવા ભાજપ કામે લાગ્યુ છે. 

સામાન્ય સમજ એવી છેકે, પાટીદારો ભાજપની પડખે રહ્યા છે તેમાંય પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલના વખતથી પાટીદારો ભાજપની એક સિક્કાની બીજુ બાજુ બન્યા છે. પણ અનામત આંદોલન બાદ પાટીદારોને ભાજપથી રાજકીય વાંધો પડયો છે. મહત્વની વાત તો એછેકે, આંદોલન વખતે પોલીસના અત્યાચાર બાદ પણ પાટીદારો ભાજપના સાથે રહ્યા છે અને કોંગ્રેસને થોડાક અંશે રાજકીય લાભ મળ્યો હતો. જયારે પણ ચૂંટણી આવે ત્યારે વિરોધવંટોળ થાય પણ અંતે તો શામ,દામ,દંડ ભેદની નીતિને કારણે ભાજપને લાભ થાય છે એ નરી વાસ્તવિકતા છે. 

હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે પાટીદારોમાં મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ તેવી માંગ ઉઠી છે જેના કારણે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ દૂરંદેશી રાખી કેન્દ્રીય મંત્રીમંડળમાં પુરષોતમ રુપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી બનાવી કડવા અને લેઉવા પાટીદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો. ભીખુ દલસાણિયાને બિહારમાં સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ આપી રાજકીય પ્રમોશન અપાયુ છે. ગુજરાતમાં રૂપાણી સરકારમાં નીતિન પટેલ, આર.સી.ફળદુ, કૌશિક પટેલ, જયેશ રાદડિયા સહિતના પાટીદારોને મંત્રીપદે સ્થાન અપાયુ છે આમ છતાંય પાટીદારો આ વખતે ભાજપથી મોં ફેરવી બેઠા છે એટલે જ પાટીદારોના ગઢ સમાન વિસ્તારોમાં જનઆર્શિવાદ યાત્રામાં ઝાઝો પ્રતિસાદ મળ્યો નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યુ હતું કે, ભાજપ એટલે પાટીદાર. જેના સામે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીનું આ વ્યક્તિગત નિવેદન છે. એસપીજી નેતા લાલજી પટેલે કહ્યું કે, પાટીદારો ભાજપની સાથે જ નહીં, અન્ય રાજકીય પક્ષોની સાથે છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવુ નિવેદન આપ્યુ કે, પાટીદારો કોઇના ગુલામ નથી. ભાજપ ફાંકો કાઢી નાખે. જયારે અનામત આંદોલન વખતે પોલીસે ઘરમાં ઘૂસીને પાટીદારોને માર્યા,પાટીદાર યુવાઓની છાતીમાં ગોળીઓ ધરબી દીધી ત્યારે ભાજપના નેતાઓ ક્યા ગયા હતાં. 

આમ, અત્યારે પાટીદારોમાં બે ભાગલા પડયા હોય તેવુ ચિત્ર ઉભર્યુ છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી પાટીદારોએ સરકાર સામે બાંયો ચડાવવા તૈયારીઓ કરી છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3myp7Mj
via IFTTT

Post a Comment

أحدث أقدم