હેલ્થ ઇન્સ્પેક્ટરો-વેપારીઓની સાંઠગાંઠ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ પકડાતી નથી


અમદાવાદ મ્યુનિ.નું સડેલું તંત્ર

8 મહિનામાં માત્ર 1417 સેમ્પલો જ લેવાયા તેમાંથી માત્ર 6 જ અનસેફ જણાયા : હેલ્થ ખાતાને કોઇ પૂછનાર જ નથી!

અમદાવાદ : અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં રાખવામાં જેમ હેલ્થ ખાતું સરિયામ નિષ્ફળ ગયું છે એવી જ રીતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા લેવાતા સેમ્પલોની સંખ્યા ઘટી છે, હેલ્થ લાયસન્સ વગર જ સંખ્યાબંધ ખાદ્ય પાર્લરો ધમધમે છે અને હેલ્થ અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરાવવામાં ઘોર ઉદાસીનતા પ્રવર્તે છે.

શહેરની વસ્તી અને વિસ્તાર વધે છે તેની સામે ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી ઘટે છે, આ વિરોધાભાસ આશ્ચર્ય ઉપજાવનારો છે. હેલ્થ ખાતા દ્વારા ચાલુ વર્ષે 8 મહિનામાં માત્ર 1417 સેમ્પલો લેવાયા છે, જેમાંથી 1269 પાસ થયા છે. 26 મિસ બ્રાન્ડેડ, 14 સબ સ્ટાન્ડર્ડ અને 6 અનસેફ જણાયા છે.

મિસ બ્રાન્ડેડ પેકેટ પર મેન્યુફેક્ચરીંગ કે એક્સપાયરી ડેટ નથી હોતી, સબ સ્ટાન્ડર્ડ પદાર્થો ખાવા માટે જોખમી સાબિત થતું નથી તેથી તેની સજા હોય છે. જ્યારે અનસેફ ખાદ્ય પદાર્થો હેલ્થ માટે જોખમી હોય છે તેવા નમૂના બહુ ઓછા પકડાય છે !

આ અનસેફ 6 નમૂનામાં પાણીપુરીના પાણીના, ચટણી, સોસ વગેરેના છે. 8 મહિનામાં 1417 એટલે રોજના 5થી 6 નમૂના થયા મેગાસિટી માટે આ પ્રમાણ નહિવત્ જ ગણાય. મે મહિનામાં તો માત્ર 3 જ નમૂના લેવાયા છે, મે મહિનામાં હેલ્થ ઇન્સ્પેક્ટરો શું કરતા હતા ? તે સવાલ ઉચ્ચ અધિકારીઓએ અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ પૂછવો જોઈએ.

ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની બાબતમાં પણ વેપારીઓ અને ઇન્સ્પેક્ટરો વચ્ચે હપ્તા આધારિત ગાઢ સંબંધ હોય છે. જેના કારણે ભેળસેળ પકડાતી જ નથી. અગાઉ દૂધના, પેકેજ્ડ વોટરના, બેકરી આઇટમોના નમૂના લેવાતા હતા, તેની સંખ્યા નહિવત્ થઈ ગઈ છે.

બેકરી આઇટમ તેમજ ફરસાણ બનતું હોય તેવા સ્થાનોએ અગાઉ દરોડા પડતા હતા, તે બાબત જ ભૂતકાળની બનવા માંડી છે. ફરસાણ બનતું હોય ત્યાંથી ઇયળો વાળો લોટ, ચણાની દાળના સ્થાને વપરાતી અખાદ્ય દાળ, લાલ રંગનું તેલ વગેરે પકડાતા હતા તે બાબત જાણે કે ભૂલાવા માંડી છે.

ઉચ્ચ અધિકારીઓનું આ બેદરકારી પરત્વે ધ્યાન છે કે નહિ અને છે તો અધિકારીઓને દોડાવતા કેમ નથી તે સવાલ છે. માવામાં ભેળસેળ ગાંધીનગરના ફુડ્સ એન્ડ ડ્રગ ખાતાએ પકડી હતી, બનાવટી શુદ્ધ ઘી ઘણી વખત પોલીસ પકડે છે, તો મ્યુનિ.નું તંત્ર અને કરોડોના ખર્ચે ઉભી કરાયેલી લેબોરેટરી કરે છે શું ? તે પણ સવાલ છે.

સરકારે માથે કેપ અને હાથે મોજા પહેરવા જાહેર કરેલા નિયમનું પાલન થતું નથી

સરકારે બે વર્ષ પહેલાં એવો નિયમ બહાર પાડયો હતો કે ખાદ્ય પાર્લર અને મીઠાઈ- ફરસાણના વિતરકોએ માથે કેપ અને હાથ પર મોજા પહેરવા ફરજિયાત છે. આ નિયમનું ક્યાંય પાલન થતું જોવા નથી મળતું. સરકાર પણ નિયમ બહાર પાડયા પછી તેનું પાલન થાય છે કે નહીં ? તેનો રિવ્યૂ કે ચેકિંગ કરવાની બાબતે ઉદાસીન છે.

આવી જ રીતે હેલ્થ લાયસન્સ ફરજિયાત હોવા છતાં સંખ્યાબંધ ખાદ્ય પાર્લરો, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ, હોટલો, લાયસન્સ વગર જ ધમધમે છે. આ ગેરકાયદે એકમો પાસેથી મોટી રકમના હપ્તા ઉઘરાવાતા હોવાનું કહેવાય છે. શહેરમાં ચાલતી કુપ્રવૃત્તિ સામાન્ય નાગરિકોને પણ નરી આંખે દેખાય છે, તે ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેટરોને દેખાતી નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ymrAfb
via IFTTT

Post a Comment

Previous Post Next Post