સાણંદ તાલુકા પંચાયતની બેઠક તોફાની બની : ગ્રાન્ટ ફાળવણી મુદ્દે હોબાળો


- કોંગ્રેસના સદસ્યોમાં જ ભાગલા પડાવવાનો ભાજપ સામે આક્ષેપ

- કામોના ગ્રાન્ટની ફાળવણીમાં જાતિવાદ ઉભરીને બહાર આવ્યો 

સાણંદ : સાણંદ તાલુકા પંચાયતની આજે મળેલી ખાસ સામાન્ય સભા તોફાની બની હતી. સભામાં વિવિધ મુદાઓને લઇ વિપક્ષે વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો.  વિવિધ મુદાઓને લઇ કોંગ્રેસના સભ્યોએ સવાલોની ઝડી વરસાવી હતી. કોંગ્રેસના સભ્યોના સવાલોના જવાબ શાસક પક્ષ આપી શકયું ન હતું. એટલું જ નહી ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસના એક સદસ્યને રૂપિયા ૪૫ લાખની ગ્રાન્ટ અને બાકીના સભ્યોને માંગણી કર્યા બાદ નામ માત્રની ગ્રાન્ટ ફાળવાતાં સામાન્ય સભામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમજ તાલુકા પંચાયતના શાસકોના આવા વલણથી વિપક્ષમાં અસંતોષ ભભૂકી ઉઠયો છે.


સાણંદ તાલુકા પંયાચતના હોલ ખાતે આજે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ રતનસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં સૌપ્રથમ વિપક્ષના સભ્યોએ ખાસ સામાન્ય સભા બોલાવવા પાછળનો હેતુ માટે સવાલ કરતાં પ્રમુખે જવાબ આપવાનું ટાળ્યું હતું.

વિપક્ષ નેતા સહિત સદસ્યોનું કહેવું છે કે તાલુકામાં આપતીજનક સ્થિતીનું નિર્માણ થયું હોય ત્યારે જ ખાસ સમાન્ય સભા બોલાવી શકાય. આ તો માત્ર વિકાસ કામોને બહાલી આપવા બોલાવેલી ખાસ સામાન્ય સભાથી તાલુકા પંચાયતના શાસકોની અણઆવડતની પોલ ખુલી ગઇ છે. કોંગ્રેસના સભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરવા ગ્રાન્ટની માંગણી કરી તો પ્રમુખે ચેક કરાવી લઇશું તેમ કહી ઉડાઉ જવાબ આપ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ પોતાના વિસ્તારમા વિકાસ કામા માટે ગ્રાન્ટ ફાળવવા તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત હોદેદારો અને અધિકારીઓને લેખિત રજુઆત પણ કરી છે,તેમ છતાં તેઓને વિકાસના કામ માટે નામ માત્રની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 

તો બીજી બાજુ કોંગ્રેસના ચેખલા બેઠક પરથી ચૂંટાઇને આવેલા કાણેટીના મહિલા સભ્યને વિકાસ કામો માટે રૂપિયા અંદાજે ૪૫ લાખ જેટલી ગ્રાન્ટ આપવામાં આવતાં જાતિવાદ સ્પસ્ટ દેખાઇ રહ્યો હોવાનો કોંગ્રેસના સભ્યો માની રહ્યા છે. એટલું જ નહી કોંગ્રેસના સદસ્યોનું કહેવું છે કે તાલુકા પંચાયતમાં વિકાસ કામો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ પર તાલુકા પંચાયતના દરેક સદસ્યનો સમાન અધિકાર છે. તો પણ તાલુકા પંચાયતના શાસકોના આવા વલણથી કોંગીજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. 

કોંગ્રેસના સદસ્યોના વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે શાસક પક્ષ વિકાસ કામો અંગે નિર્ણય કરી ગ્રાન્ટ ફાળવશે. તો તાલુકા પંચાયતમાં સદસ્ય અને સ્થાનિક પ્રતિનીધી તરીકે પ્રજાએ અમારા પર વિશ્વાસ મુક્યો તેનો કોઇ અર્થ જ નથી.ખાસ સામાન્ય સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે ૧૧.૮૦ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. 

૮૫૦ લાખ રૂપિયા કયા કામો પાછળ ખર્ચયા તેનો હિસાબ મળતો નથી

સાણંદ તાલુકા પંચાયતના રેથલ બેઠક સદસ્ય ગીતાબેન મનુભાઇ ગોહિલે વર્ષ ૨૦૨૦ -૨૧ સહભંડોળ બજેટના કામ અને ખર્ચની વિગતવાર માહિતી મેળવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે.કે વર્ષ ૨૦૨૦-૨૧ નું મુળ બજેટ ૧૨૭૬ લાખનું હતું.જ સુધારીને ૨૧૨૬ લાખનું કરવામાં આવ્યું.તો જેનો વધારાનો ખર્ચ ૮૫૦ લાખ કોઇપણ મંજુર વિના ખર્ચ કરી નાંખવામાં આવેલા છે.તો કયા વિકાસના કામો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગતવાર માહિતી તા.૦૮-૦૬-૨૦૨૧ના રોજ લેખિતમાં માંગવામાં આવી છે.તો પણ હજુ સુધી તેનો હિસાબ કોંગ્રેસના સદસ્યને મળ્યો નથી.૮૫૦ લાખનો ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના સદસ્ય ગીતાબેને આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે : તાલુકા પંચાયત પ્રમુખ

કોંગ્રેસના સદસ્યો દ્વારા જાતિવાદ પર કરેલા આક્ષેપ વિશે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાનો સંપર્ક કરતાં તેઓએ કહ્યું હતું કે સૌ પ્રથમ તો કોઇ સદસ્યને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જે ગામમાંથી કામોની યાદી આપી છે. તે મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. ગામોના વિકાસ માટે અમે હંમેશાં તૈયાર છીએ. ચેખલા બેઠકના કોંગ્રેસના સદસ્યની વાત કરતાં તેઓએ ખોટી વાત હોવાનું કહ્યું હતું.

બે દિવસમાં ઉકેલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની કોંગીજનોની ચિમકી

સાણંદ તાલુકા પંચાયતના શાસકો દ્રારા કોંગ્રેસના સદસ્યો સામે વ્હાલા દવાલાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. તેવો આક્ષેપ કરતાં વિપક્ષ નેતા કાળુભાઇ કોળી પટેલે કહ્યું હતું કે ગ્રાન્ટ બાબતે તાલુકા પંચાયત દ્રારા તાજેતરમાં રજુ કરવામાં આવેલ બજેટમાં સદસ્યોને ગ્રાન્ટ આપવાનો કોઇ ઉલ્લેખ કરવામાં નહી આવતાં તા.૧૮-૮-૨૦૨૧ ના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી ખુલાસો માંગ્યો હતો.અને બે દિવસમાં ઉકેલ નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે જવાની ચિમકી પણ  ઉચ્ચારી હતી.આજે રજુઆત કર્યાને અઠવાડિયું થવા આવ્યું તો પણ તાલુકા પંચાયત દ્રારા કોઇ ખુલાસો આપવામાં આવ્યો નથી.જેથી કોંગ્રેસના સદસ્યોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yormUU
via IFTTT

Post a Comment

أحدث أقدم