ગુજરાત હા. ફાઈનાન્સ કોર્પો.ની ચૂંટણીમાં વાડીલાલ પટેલ માટે કપરાં ચઢાણ


ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 35માંથી ભાજપના 31 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા

અમદાવાદ : ગુજરાત હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની આગામી 13મી ઓગસ્ટે થનારી ચૂંટણીમાં ગત વખતના ચેરમેન વાડીલાલ પટેલ 70 વર્ષની વય વટાવી ચૂક્યા હોવા છતાંય યુવાનોને તક આપવાની માનસિકતા ન ધરાવતા હોવાથી ભાજપના જ હરીફ ઉમેદવારો મૂકી દઈને તેમને પરાસ્ત કરવાનું આયોજન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.

તેઓ ગુજરાત હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનમાં પ્રમુખ તરીકે સક્રિય છે. તેમની સામે અનિલ  ત્રિવેદી અને દીપક પટેલે તેમની સામે ઉમેદવારી નોંધાવી છે. આ બંને નેતાઓને ભાજપના વગદાર નેતાઓનું સમર્થન  મળી જવાની સંભાવના છે. 

હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની ચૂંટણીમાં બિનહરીફ થવા માટે વાડીભાઈ પટેલે તેમના સાથીદાર અને વિશ્વાસુ સુરેશ પટેલને જ ગાંધીનગરની સીટ પરથી હરીફ તરીકે ઊભા કરાવ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ સુરેશ પટેલ પાસે આજે ફોર્મ પાછું ખેંચાવી લેવાયું હતું.

પરંતુ ભાજપના યુવા ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી વાડીલાલ પટેલ ભાજપના હોવા છતાંય તેમની સામે ભાજપના જ અનિલ ત્રિવેદી અને દીપક પટેલનું હરીફ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આમ ભાજપના જ સિનિયર નેતાઓ વાડીભાઈનો ખાનગીમાં વિરોધ કરતાં હોવાના નિર્દેશ મળી રહ્યા છે.  ગાંધીનગરની બેઠક પર 51 મતદાર છે. તેમાંથી 33 વોટ તો એકલા કલોલ વિસ્તારના છે.

નવસારીની બેઠક પરથી ભૂપેન્દ્ર ભટ્ટ અને જયંતી લીખિયા ચૂંટણી લડી રહ્યા છે. તેમ જ સુરેન્દ્રનગરમાંથી મંગળસિંહ રામસિંહ પરમાર અને રમેશ શાહ ભાજપના જ હોવા છતા ંચૂંટણી લડવા તૈયાર છે.  ગુજરાતના સહકાર સેલના નવા નિયુક્ત થયેલા સંયોજક બિપીન પટેલ ગુજરાત હાઉસિંગ ફાઈનાન્સ બોર્ડની 13મી ઓગસ્ટે થનારી ચૂંટણીમાં 31 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાનું જણાવ્યું હતું. 

તેમનું કહેવુ છે કે સહકાર સેલના નવા વડા તરીકે હોદ્દો ગ્રહણ કર્યા પછી સહકારી ક્ષેત્રમાં ભાજપને મળેલી આ એક મોટી સફળતા છે. સંભવત: તમામ 35 બેઠક પર ભાજપના જ ઉમેદવાર આવી જાય તેવી સંભાવના છે. ગયા વખતે બોર્ડમાં કોન્ગ્રેસના 6 સભ્યો પણ હતા. આ વખતે કોન્ગ્રેસના ઉમેદવાર એક પણ બેઠક પરથી વિજેતા થાય તેવી શક્યતા જણાતી નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jeWNeO
via IFTTT

Post a Comment

Previous Post Next Post