બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરવા ભલામણ


મહારાષ્ટ્રમાં માત્ર 26 ટકા જમીન એક્વાયર કરી હોવાથી

પહેલા તબક્કામાં સાબરમતીથી દાદરાનગર હવેલી સુધીની 364 કિલો મીટરની લાઈન પૂરી કરવા જણાવાયું

મુંબઈ સુધીનો રૂટ ડેવલપ થઈ ગયા પછી પૂણે સુધી બુલેટ ટ્રેન લઈ જવાશે

અમદાવાદ : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં અંદાજે 97 ટકા જમીન હસ્તગત કરી લેવાઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાં હજી 26 ટકાની આસપાસ જ જમીન હસ્તગત થઈ હોવાથી વધુ વિલંબ ન થાય તે માટે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરવાની સંસદના 30 સભ્યોનો સમાવેશ કરતી ઓલ પાર્ટી પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ કરી છે.

રેલવેના રાધા મોહન સિંહે પણ આ વાતને સમર્થન આપ્યું છે. 21મી ઓગસ્ટથી 6મી ઓગસ્ટ દરમિયાન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે થયેલી સ્ટડી ટુર દરમિયાન પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં લઈને આ રજૂઆત કરવામાં આવી છે. પહેલા તબક્કામાં સાબરમતીથી દાદરાનગર હવેલી સુધીનું કામ પતાવવા અને ત્યારબાદ દાદરાનગર હવેલીથી મુંબઈ માં બાંદ્રાકુર્લા કોમ્પ્લેક્સ સુધીનું કામ પૂરું કરવાની ભલામણ કરવામાં આવી છે.

જિકા તરીકે ઓળખાતી જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીએ બુલેટ ટ્રેન માટેની તમામ જમીન હસ્તગત થઈ જાય તે પછી જ કામ ચાલુ કરવાની શરત રાખી હોવાથી પ્રોજેક્ટનો આરંભ થઈ શકતો નથી. પ્રોજેક્ટ વિલંબમાં મૂકાય તો તેને માટેનો ખર્ચ પણ વધતો જાય છે. તેથી પ્રધાનમંત્રી કાર્યાલયે પણ જાપાન સરકારને આ અંગે પત્ર લખીને બે તબક્કામાં પ્રોજેક્ટ પૂરો કરવામાં સહયોગ આપવાની રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.

સાબરમતીને બદલે ગાંધીનગરમાં બનાવેલા નવા સ્ટેશન સુધી પણ આ પ્રોજેક્ટને લંબાવવામાં આવે તેવી સંભાવના છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા લોકો ગાંધીનગર રેલવે સ્ટેશન પરની ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતારો મેળવીને મહાત્મા મંદિરમાં યોજાનારા સમારોહમાં તરત પહોંચી શકે તેવી પણ ગણતરી આ એક્સટેન્શન પાછળ હ ોવાનો તર્ક કરવામાં આવીરહ્યો છે. 

સાબરમતી-અમદાવાદથી દાદરાનગર હવેલી સુધીના અંદાજે 364 કિલોમીટરનું કામ પહેલા પૂરું કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ ટ્રેક માટેની અંદાજે 96 ટકાથી વધુ જમીન હસ્તગત-એક્વાયર કરી લેવામાં આવી છે. આ ગાળામાં મહારાષ્ટ્રના વિસ્તારમાં જમીન હસ્તગત કરવાની કામગીરી ખાસ્સી આગળ વધી જશે. તેથી પ્રોજેક્ટ સરળતાથી અને ઝડપથી પૂરો થઈ શકશે.

આ પ્રોજેક્ટની જાહેરાત થયા પછી 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન હતું. પરંતુ વર્તમાન સંજોગોને જોતાં આ પ્રોજેક્ટ 2026થી પણ આગળ જાય તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટ માટેનો ફિઝીબિલીટી રિપોર્ટ 2007માં તૈયાર કરવામાં આવ્યો હતો.2014-15માં તેની જાહેરાત કરીને 2024 સુધીમાં તે પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ જમીન હસ્તગત કરવાની મહારાષ્ટ્રમાં કામગીરી બહુ જ સુસ્ત પણે ચાલતી હોવાથી પ્રોજેક્ટ વિલંબમાં મૂકાઈ રહ્યો છે. બુલેટ ટ્રેનના રૂટ પર બાર સ્ટેશન હોવાની સંભાવના છે.  તેમાંથી આઠ સ્ટેશન ગુજરાતમાં અને ચાર સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે. તેની સ્પીડ અંદાજે 320 કિલોમીટરની રહેવાની ધારણા છે. પરિણામે પોણા બે કલાકમાં મુંબઈથી અમદાવાદ-ગાંધીનગર પહોંચી જવા તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bnp1LM
via IFTTT

Post a Comment

Previous Post Next Post