ધો.6થી 8ના વર્ગો શરૂ કરવા કે નહીં તે મુદ્દે સરકાર હજી મૂંઝવણમાં


કોરોનાની ત્રીજી લહેરને જોતા સરકાર જોખમ લેવા તૈયાર નથી 

ધો.9થી 12ના વર્ગ શરૂ થયા છતાંય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી, આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા  

અમદાવાદ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકાર હવે કોઇ જોખમ ખેડવા તૈયાર નથી. આ કારણોસર રાજ્ય સરકાર ધો.6થી 8ના વર્ગ શરૂ કરવા કે નહીં તે અંગે મૂંઝવણમાં છે. બુધવારે પાટનગર ગાંધીનગરમાં મળનારી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.

જોકે, સરકાર અને શિક્ષણ વિભાગ પણ આ મામલે  ઉતાવળ કરવાના મતમાં નથી. તમામ પાસાઓની ચર્ચા બાદ આખરી નિર્ણય લેશે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હળવા પગલે વિદાય લીધી છે. આ ઉપરાંત ગુજરાતમાં ચારેક કરોડ લોકોએ રસી પણ લઇ લીધી છે. ગુજરાત કોરોનામુક્ત થવા તરફ આગળ વધી રહ્યુ છે તેમ છતાંય નિષ્ણાતોએ ત્રીજી લહેર આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્ય આરોગ્ય વિભાગે અત્યારથી ત્રીજી લહેરનો સામનો કરી શકાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધો.6થી 8ના વર્ગમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. કોરોનાના કેસો ઘટતા હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની દિશામાં શિક્ષણ વિભાગે વિચારણા કરી છે.

સૂત્રોના મતે, ધો.9થી 12ના વર્ગો શાળામાં શરૂ કરાયા છે પણ હજુય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. વાલીઓ હજુય બાળકોને શાળામાં મોકલતા ખચકાટ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત સંભવિત ત્રીજી લહેરને જોતાં વાલીઓ ડર અનુભવી રહ્યા છે.

બાળકોની રસી પણ હજુ બજારમાં આવી નથી. કોર કમિટીની બેઠકમાં તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરાશે. બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ય ચર્ચા થઇ શકે. ઉલ્લેખનીય છેકે, 15મી ઓગસ્ટ બાદ ધો.6થી 8ના વર્ગ શરૂ કરવાની વાત હતી પણ છેલ્લી બે કેબિનેટથી આ મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવાઇ શક્યો નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3myMnK2
via IFTTT

Post a Comment

Previous Post Next Post