
- સાણંદના માર્કેટયાર્ડમાં તસ્કરોનો તરખાટ : પોલીસના સઘન નાઇટ પેટ્રોલિંગનો ફિયાસ્કો
- લાખોની રોકડ અને માલસામાનની તસ્કરો હાથ ફેરો કરી ગયા હોવાની દુકાનદારોમાં ચર્ચા
સાણંદ : સાણંદ શહેરમાં આવેલા એપીએમસીમાં ગત રાત્રે તસ્કરોએ પોતાના હાથ અજમાવ્યો હતો.એક જ રાતમાં ગોડાઉન સહિત ૧૦ જેટલી દુકાનોના તાળાં તોડી પોલીસને મોટો પડકાર આપ્યો છે.ગોડાઉન સહિત દુકાનમાંથી લાખોની રોકડ અને માલસામાનની ઉઠાતરી કરી ગયા હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડયું છે.પરંતુ પોલીસ મથકમાં ગુરૂવારની માંડી સાંજ સુધી આ બાબતે ગુનો કાખલ કરાયો નથી.
સાણંદ શહેરમાં આવેલા માર્કેટયાર્ડમાં તસ્કરોએ તરકાટ મચાવી દીધો છે. તસ્કરોના તરખાટની સમગ્ર શહેરમા ઠેરઠેર ચર્ચાઓ થઇ રહી છે. તસ્કરોએ એક રાતમાં માર્કેટયાર્ડમાં આવેલા ગોડાઉન સહિત ૧૦ જેટલી દુકાનોના તાળાં તાંડી દુકાન અને ગોડાઉનના શટરો તોડી પ્રવેશ કર્યોે હતો. આ ગોડાઉન સહિત દુકાનોમાંથી લાખોની રોકડ અને મુદામાલનો હાથ ફેરો કરી ગયા હોવાનું સ્થાનિક દુકાનદારોમાં ચર્ચાઇ રહ્યું છે. માર્કટયાર્ડમાં આવેલી અનાજ કમિશન એજન્ટોની સાત જેટલી દુકાનો અને નીચે આવેલા બીડી સિગેરેટના ગોડાઉન સહિત અન્ય સ્થળેથી લાખો રૂપિયાની રોકડ અને માલસામાનની ચોરી કરી ગયા હોવાનું દુકાનદારો કહી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા અને સાણંદ માર્કેટયાર્ડમાં અનાજ કમિશનના એજન્ટ તરીકે કામ કરતાં ગૌતમ ગાંધીની દુકાનના તાળાં તોડી તસ્કરો રૂપિયા ૪ લાખની રોકડ ઉઠાવી ગયા છે. ગૌતમ ગાંધી સાથે અંદાજે ૪ વર્ષ અગાઉ પણ આંખમાં મરચાની ભુકી નાંખી રૂપિયા ૧૫ લાખની રોકડ તસ્કરો તફડાવી ગયા હતા. જયારે નીચે પુખરાજના નામના વ્યકિતના આવેલા બીડી સિગરેટના ગોડાઉનમાંથી રૂપિયા ૫ હજાર રોકડ અને ૧૫ હજારનો મુદામાલ લઇ ગયા હોવાનું મનાઇ રહ્યું છે.
આ ગોડાઉનમાં બે મહિના પહેલા પણ રૂપિયા ૮ લાખનો મુદામાલની ચોરી થઇ હતી. ત્યારે માર્કટયાર્ડના પાછળના ભાગે આવેલા ખેતરોમાંથી તસ્કરોએ ગોડાઉનની બારી તોડી પ્રવેશ કર્યોે હતો. પરંતુ મહત્વનું એ છે કે ગોડાઉન અને દુકાનોની રખેવાળી માટે સિકયોરિટી મુકવામાં આવી છે. તો પણ ચોરીન બનાવો બની રહ્યા છે. જેથી સિકયોરિટીની કામગીરી સામે પણ સવાલો લોકોમાં ઉઠયા છે. એક જ રાતમાં ૧૦ જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠયા છે. બુધવારની રાત્રે ઘટના બની હતી. પરંતુ ગુરૂવાર માંડી સાંજ સુધી પોલીસ મથકમાં આ અંગે કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ઉપરાંત આ અંગે પોલીસ સૂત્રોનો સંપર્ક કરતાં તેઓએ આ ઘટનાને નકારી દીધી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DmzZ5R
via IFTTT
إرسال تعليق