
- અમદાવાદ વિરમગામ મુખ્ય હાઇવે પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ મોટો અકસ્માત સર્જશે
સાણંદ : સાણંદના મુખ્ય માર્ગ એવા અમદાવાદ વિરમગામ રોડ પર ગાયો સહિત રખડતા ઢોર અડિંગો જમાવીને બેસે છે.જેના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે.રખડતા ઢોરને હટાવવાની કામગીરી તંત્ર દ્રારા કરવામાં આવે છે.પરંતુ હમણાં ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી.
સાણંદમાં વાહનોની અવર જવરથી ભરપુર રહેતા અમદાવાદ વિરમગામ રોડ પર અડિંગો જમાવીને બેસી રહેતી ગાયોના ટોળા અને અન્ય ઢોરને કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કેટલીક વાર તો ઢોર હાઇવે પર વચ્ચે બેસી રહેતા હોવાથી વાહનચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે.આ માર્ગ પરથી રોજના અસંખ્ય વાહનો પસાર થાય છે.
દિવસ દરમ્યાન અને મોડી રાત સુધી આ રોડ વાહનોથી ધમધમતો હોય છે. જેથી અકસ્માત થવાની વાહનચાલકોમાં ભીતિ સેવાઇ રહી છે. તો કેટલીક વાર અહીથી પસાર થતાં રાહદારીઓ પણ ઢોરના ટોળાને જોઇને પસાર થવાનું ટાળે છે.કારણ કે રખડતા ઢોરના આતંકના કારણે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો બન્યા છે.જેથી રખડતા ઢોરોને સલામત અને સ્થાયી સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ લોકોમાં ઉભી થઇ છે.
સાણંદમાં અમદાવાદ વિરમગામ રોડ અને શહેરના અન્ય સ્થળો પર ગોપાલકો દ્રારા છૂટી મુકવામાં આવતી ગાયોને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને હેરાન પરેશાન થવું પડે છે. જેથી ગોપાલકો દ્વારા ગાયોને સલામત સ્થળે રાખવામાં આવે તેવી માંગણીનો સુર લોકોમાં ઉભો થયો છે. આ માર્ગ પરથી પસાર થતાં ભારે વાહનોના કારણે ગાયોના માથે પણ જોખમ તોળાઇ રહ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zJZF9O
via IFTTT
إرسال تعليق