
- ચાર રસ્તા ઉપર સિગ્નલ જ ન દેખાય તો પણ દંડ થાય !
- શહેરમાં 450 ટ્રાફિક સિગ્નલમાંથી 50 જેટલા સિગ્નલમાં વાહનચાલકો અટવાય છે : પ્રજાજનો રજૂઆત કરે તો જ પોલીસ મ્યુનિ.ને જાણ કરે !
અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ નિયમપાલન કરાવવા માટે કડક વલણ અખત્યાર કરે છે. પણ, શહેરના અનેક ટ્રાફિક સિગ્નલ એવા છે કે જે વૃક્ષ કે મેટ્રો પિલ્લરના કારણે પૂરતા દેખાતાં નથી. ચાર રસ્તા ઉપર સિગ્નલ જ દેખાય તો પણ સિગ્નલ ભંગ કરવાના મેમા આવતા હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે.
એક પ્રાથમિક સર્વે મુજબ શહેરમાં ૪૫૦ ટ્રાફિક સિગ્નલમાંથી ૫૦થી વધુ સિગ્નલ એવા છે કે જે પૂરતા દેખાતા ન હોવાથી વાહનચાલકો અટવાઈ પડે છે. સિગ્નલ ભંગ માટે ટ્રાફિક પોલીસ ઈ-મેમો મોકલે છે પણ સિગ્નલ મેઈન્ટેનન્સની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓ કહે છે કે, આ અંગે પ્રજાજનો સિગ્નલ ન દેખાવા તે સહિતના પ્રશ્નોની રજૂઆત કરે તો પોલીસ તંત્ર તરફથી અડચણ દૂર કરવા માટે મ્યુનિ.ને જાણ કરવામાં આવશે.
કોરોના કાળ લગભગ પૂર્ણ થયો છે તે સાથે જ જનજીવન સામાન્ય બન્યું છે અને ટ્રાફિક પોલીસ પણ દંડ વસૂલાત સહિતની કામગીરી સામાન્ય સંજોગોની માફક કરવા લાગી છે. ટ્રાફિક પોલીસ હવે પીઓએસ મશીનથી ડીજીટલ સ્થળ દંડ પાવતી શરુ કરવા જઈ રહી છે. સમયની સાથે બદલાવની દિશામાં પોલીસ આગળ વધી રહી છે પરંતુ વાહનચાલકો તેમને ચાર રસ્તા પર કનડતી સમસ્યા રજૂ કરી રહ્યાં છે. લોકોમાં એવો આક્રોશ છે કે, શહેરના અસંખ્ય ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ પૂરતા પ્રમાણમાં દેખાતા નથી. ચાર રસ્તા ઉપર સિગ્નલ જ દેખાય તો પણ દંડ આવતો હોવાની લોકોની ફરિયાદ છે.
નોંધપાત્ર બાબત એ છે કે, શહેરના યુનિવર્સિટી નજીકના વિજય ચાર રસ્તા, આશ્રમ રોડ ઉપર વલ્લભ સદન ચાર રસ્તા, ૧૩૨ ફૂટ રોડ ઉપર અંધજન મંડળ ચાર રસ્તા સહિતના અનેક ટ્રાફિક સર્કલ એવા છે કે જ્યાં વૃક્ષના કારણે કે મેટ્રોના પિલ્લરના કારણે ટ્રાફિક સિગ્નલ પૂર્ણરુપે દેખાતા નથી. ટ્રાફિક પોલીસના અધિકારી સૂત્રો કહે છે કે, રસ્તા ઉપર વળાંકમાં ટ્રી-પ્લાન્ટના કારણે સિગ્નલ ન દેખાય તેવી સ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે. આ જ રીતે અમુક સ્થળે મેટ્રોના પિલ્લરના કારણે પૂરતા ટ્રાફિક સિગ્નલ જોવા મળતાં નથી.
આ સંજોગોમાં વાહનચાલકોએ આગળ ઉભેલા વાહનચાલક આગળ વધે એટલે આગળ વધવાનો વખત આવે છે. ટ્રાફિક પોલીસ અધિકારીનું કહેવું છે કે, ટ્રાફિક સિગ્નલ કે ટ્રાફિકને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો ટ્રાફિક પોલીસ સ્ટેશન તેમજ નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નાગરિકો રજૂઆત કરે. લોકોની રજૂઆતને ધ્યાને લઈને વૃક્ષોને ટ્રિમિંગ કરી સિગ્નલ દેખાય તેવી વ્યવસ્થા કરવા મ્યુનિ.ને જાણ કરાશે. જ્યારે, મેટ્રોના પિલ્લર અંગે સિગ્નલના આયોજન બદલવા અંગે ટેકનિકલ રીતે વિચારણા કરી મ્યુનિ. તંત્ર કાર્યવાહી કરાશે.
કાલથી પશ્ચિમ વિસ્તારમાં 100 સ્થળે ડિજિટલ મશીનથી ટ્રાફિક દંડ વસૂલાશે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડીજીટલ મશીન (પી.ઓ.એસ.)થી દંડ વસુલાત શરુ કરશે. જો કે, ડીજીટલ મશીનથી સ્થળ પર જ ટ્રાફિક દંડ વસુલાત કામગીરી હાલમાં પશ્ચિમ વિસ્તારમાં જ શરુ કરવામાં આવશે. આવતીકાલ તા. ૩૦ને બુધવારે સવારે ૯-૩૦ વાગ્યે ઠાકોરભાઈ હોલ ખાતે ડીજીટલ સ્થળ દંડ પાવતી મશીનનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. પહેલા તબક્કામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૧૦૦ પીઓએસ મશીનથી દંડ વસૂલાત કરાશે. આ મશીનથી લોકો ઈ-પેમેન્ટ કરી શકશે. કાર્ડથી ઈ-પેમેન્ટ સિસ્ટમથી લોકોને દંડ ચૂકવવામાં સરળતા રહેશે. દેશના અન્ય મહાનગરોની સરખામણીએ અમદાવાદમાં દસ વર્ષ પછી ડીજીટલ મશીનથી ટ્રાફિક દંડ વસુલાત કામગીરી શરુ થઈ રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BQNgml
via IFTTT
إرسال تعليق