ગૃહવિભાગે સમીક્ષા કરી : મર્યાદિત ભક્તો સાથે રથયાત્રા નીકળશે


- કોરોનાના ડર વચ્ચે સરકારે રથયાત્રાનો એ-બી પ્લાન ઘડયો 

- રથયાત્રામાં સામેલ થનારા ટ્રસ્ટી,ભક્તોની યાદી તૈયાર, બપોરે12 વાગ્યા સુધી રથયાત્રા સંપન્ન,ટ્રક-અખાડા,ભજનમંડળી નહીં જોડાય

- સરસપુરમાં10 મિનિટનો વિરામ, રથયાત્રાના રૂટ પર જનતા કરફ્યુની વિચારણા, ટૂંકમાં જ અમદાવાદ રથયાત્રા અંગેનો નિર્ણય જાહેર કરાશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધી છે ત્યારે આ વર્ષે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. મર્યાદિત સમયમાં મર્યાદિત ભક્તો સાથે રથયાત્રા નીકળશે. કોરોેનાના સંક્રમણની ભીતિ વચ્ચે રાજ્ય સરકારે રથયાત્રા માટે પ્લાન એ-બી ઘડયો છે. એટલું જ નહીં,પાટનગર ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કાયદા વ્યવસ્થાની સ્થિતીની સમિક્ષા કરી રથયાત્રા યોજવા લીલીઝંડી આપી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે.હવે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની જ બાકી છે. 

ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે જ અમદાવાદમાં રથયાત્રા નીકળી શકી ન હતી પણ આ વખતે કોરોનાની ગતિ મંદ પડી છે. આ સ્થિતીને પગલે રાજ્ય સરકારે પણ રાત્રી કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કરી દીધા છે જેથી રથયાત્રા યોજી શકાય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. સૂત્રોના મતે, આ વખતે રાજ્ય સરકારે એવુ નક્કી કર્યુ છેકે, મર્યાદિત સંખ્યા સાથે નિર્ધારિત રૂટ પર રથયાત્રા કાઢવી.જગન્નાથ મંદિરના ટ્રસ્ટી,ખલાસી સહિત અમુક ભક્તો જ રથયાત્રામાં જોડાશે. રથયાત્રામાં સામેલ થનારાની યાદી ૈતૈયાર કરવામાં આવી છે જે ગૃહ વિભાગને સુપરત કરાશે. અ વખતે રથયાત્રામાં અખાડા,ટ્રક કે ભજનમંડળી નહી જોડાય.૧૦૦થી વધુ ખલાસીઓને રથયાત્રામાં સામેલ કરાશે. રથયાત્રામાં સામેલ થનારા તમામ લોકોએ રસી પણ લઇ લીધી છે.થોડાક દિવસ પહેલાં જ મંદિરમાં રસીનો કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. 

 સવારે સાત વાગે મંદિરે નીકળીને રથયાત્રા ૧૨ વાગે પરત ફરશે. સૂત્રો કહે છેકે, જગન્નાથ મંદિરથી સરસપુર સુધી જ રથયાત્રા જશે ત્યાથી  નિજમંદિરે પરત ફરી શકે છે. સરસપુરમાં ય રથયાત્રાને ૧૦ મિનિટનો વિરામ અપાશે.ટૂંકમાં ચાર-પાંચ કલાકમાં જ રથયાત્રા આટોપી લેવામાં આવશે.એવી ય ચર્ચા છેકે,જગન્નાથ મંદિરથી સપ્તર્ષિના આરા સુધી પણ રથયાત્રા યોજાઇ શકે છે.

રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે ખાસ આયોજન કરાયુ છે.રૂટ પરના વિસ્તારમાં જનતા કરફ્યુ લાદવા નક્કી કરાયુ છે. રથયાત્રા સંપન્ન થયા બાદ ભક્તોને મંદિરમાં સોશિયલ ડિસટન્સ સાથે દર્શન કરવા જવાની છૂટ આપવા ય વિચારણા ચાલી રહી છે. રથયાત્રાનો રૂટ ટૂંકાવી દેવાશે.મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે રીતે આખીય રથયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છેકે, રથયાત્રાને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફુટ  પેટ્રોલિંગ  શરૂ કરી દીધુ છે.આ ઉપરાંત શાંતિ સમિતીની બેઠકોનો દોર પણ શરૂ થયો છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AeY4Kd
via IFTTT

Post a Comment

أحدث أقدم