અમદાવાદ,તા.30 જૂન 2021, બુધવાર
અમદાવાદ-દરભંગા હમસફર સ્પેશિયલ ટ્રેનમાંથી ગઇકાલે તા. ૨૯ જૂને ૬૭ બોગસ મુસાફરો ઝડપાયા હતા. કે જેઓ બોગસ આધારકાર્ડ સાથે મુસાફરી કરતા હતા. તેઓએ જે એજન્ટ પાસેથી ઇ-ટિકિટ ખરીદી હતી તેણે જ મુસાફરોને બોગસ આધારકાર્ડ બનાવી આપ્યા હતા. ઇ-ટિકિટ બીજાના નામે બુક કરાવી અને બીજાને આપી દીધી હોવાની હકિકત સામે આવી છે. તમામ ૬૭ મુસાફરો પાસેથી ૧,૧૦,૧૯૦ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે પશ્ચિમ રેલવેના વિજિલન્સ વિભાગના અધિકારી હિમાંશુ કાપડિયાના જણાવ્યા મુજબ તેઓએ ગઇકાલે તા.૨૯ જૂનને મંગળવારે દરભંગા-અમદાવાદ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઉજ્જૈનથી અમદાવાદ સુધી હાથ ધરાયેલા આ ચેકિંગમાં ૬૭ મુસાફરો પાસે નવા નક્કોર આધારકાર્ડ જોવા મળ્યા હતા.
આથી શંકા જતા તેઓએ ઇ-ટિકિટ ચેક કરી અને આધારકાર્ડ ચેક કર્યું. જેમાં આધારકાર્ડમાં ફોટો, નામ અને ઉંમર સાથે ચેડા થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ તમામ ટિકિટ તા.૧૮ જૂને સવારે ૮ઃ૦૧ કલાકે ઇ-ટિકિટ એજન્ટ દ્વારા બુક કરાવાઇ હોવાનું જાણવા મળ્યું હતું. એજન્ટે જ ઇ-ટિકિટ સાથે મેચ થાય તેવા આધારકાર્ડ બનાવી આપ્યા હતા.
આ મામલે એજન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્રેનમાં વગર ટિકિટ કે ઓળખકાર્ડ વગર ફરતા ૩૩ મુસાફરો ઝડપાયા હતા. તેઓ પાસેથી પણ ૪૨,૯૯૦ રૂપિયા દંડ લેવાયો હતો. ઇ-ટિકિટની સાથે બોગસ આધારકાર્ડ સપ્લાય કરતા એજન્ટોની તપાસ હાથ ધરાઇ છે.
24 ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું
તા.૭ જુલાઇથી સાબરમતી, આદિપુર અને મણિનગર રેલવે સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનોને સ્ટોેપેજ આપવાનું નક્કી કરાયું છે.
જેમાં સાબરમતી રેલવે સ્ટેશન પર ચાર ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું છે. આદિપુર સ્ટેશને પણ ચાર ટ્રેનોને તેમજ મણિનગર રેલવે સ્ટેશને ૧૬ ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી જશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h7Uo5K
via IFTTT
إرسال تعليق