પૂર્વ અમદાવાદમાં સિંગરવા CHC માં ડાયાલીસીસ કેન્દ્ર શરૂ

અમદાવાદ,તા.28 જૂન 2021, સોમવાર

પૂર્વ અમદાવાદમાં  ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ હેઠળ સૌપ્રથમવાર સિંગરવા સીએચસીમાં કિડનીના દર્દીઓની  સારવારમાં  અતિમહત્વના  ગણાતા ડાયાલીસીસ સેન્ટરનો સોમવારથી પ્રારંભ થયો છે. જેના કારણેપૂર્વ અમદાવાદ અને દસક્રોઇ તાલુકાના રહીશોને મોટી રાહત મળી જશે. કિડનીના દર્દીઓએ હવે છેક સોલા સિવિલ કે અસારવા સિવિલ સુધી લાંબા થવું નહીં પડે.

પશ્ચિમ અમદાવાદમાં સોલા સિવિલમાં આ પ્રકારની સુવિધા મળે છે પૂર્વ અમદાવાદમાં  અત્યાર સુધી તેનો અભાવ હતો હવે તે પણ પુરો થતા કિડનીની દર્દીઓને સારવારમાં મોટી રાહત મળી રહેશે. ખાનગી હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચીને ડાયાલીસીસ કરવું પડે છે જ્યારે સિંગરવા સામુહિક કેન્દ્રમાં મફતમાં સારવાર મળી રહેશે.

પૂર્વ અમદાવાદમાં રહેતા નાગરિકો માટે આરોગ્યની સેવા બાબતે સારા સમાચાર છે. જેમાં હવેથી કિડનીના દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં કિડનીના ડાયાલિસીસ માટે લાંબા થવું નહીં પડે અને ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર કરવાની મજબૂરીમાંથી છૂટકારો મળશે.

આજે સોમવારે સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ ત્રણ એચ.ડી.ડાયાલીસીસ મશીનો મૂકવામાં આવ્યા છે. પૂર્વ અમદાવાદનું આ પ્રમથ ડાયાલીસીસ કેન્દ્ર છે. ગુજરાતના ઇએસઆરડી દર્દીઓને મફતમાં ડાયાલીસીસની સેવા મળી રહેશે. રાજ્યમાં ડાયાલીસીસ કેન્દ્રોની સંખ્યા ૫૩  છે. જેમાં ૫૦૦થી વધુ ડાયાલીસીસના મશીનો કાર્યરત છે. જ્યાં વર્ષે ૩ લાખથી વધુ દર્દીઓે ડાયાલીસીસનો લાભ મેળવી રહ્યા છે.

આ અંગે ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ  સેન્ટરના નિયામક વીનિત મિશ્રાના જણાવ્યા મુજબ દર્દીના મુસાફરીનો સમય બચશે. રાજ્યમાં ૩૦ કિ.મી.ની અંદર ડાયાલીસીસ ની સેવાઓ પુરી પાડવામાં આવશે. ડાયાલીસીસ કેન્દ્ર સુધી પહોંચવામાં દર્દીના મુસાફરી સમયમાં ઘટાડો મહત્વનો છે. કારણકે એક ઇએસઆરડી દર્દીને ડાયાલિસીસ કરવામાં ૩ થી ૪ કલાકનો સમય લાગે છે. આમ આખો દિવસ વેડફાઇ જતો હોય છે.

આગામી સમયમાં અમદાવાદ પૂર્વમાં ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ ડાયાલીસીસ કેન્દ્ર ખોલવામાં આવનાર છે. તે માટેની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે.

નોંધપાત્ર છેકે કિડની ફેલ થવી, ઓછી કાર્યરત રહેતી હોય તેવા કિસ્સામાં દર્દીને ડાયાલીસીસ કરાવવું ફરજિયાત છે. જે ખર્ચાળ હોવાથી સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગને આ ખર્ચો પોસાય તેમ હોતો નથી. કિડનીનું પ્રત્યાપણ ન થાય ત્યાં સુધી ડાયાલીસીસ કરાવવું પડતું હોય છે. આ સંજોગોમાં સિંગરવાનું ડાયાલીસીસ કેન્દ્ર જરૂરિયાતમંદો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

હાલમાં કિડનીના ડાયાલીસીસ માટે છેક સોલા સિવિલ, સિવિલ કેમ્પલમાં કિડની હોસ્પિટલ, સિવિલ ટ્રોમ સેન્ટર સુધી લાંબા થવું પડે છે. હવે પૂર્વ અમદાવાદના લોકોને ઘર આંગણે જ સવલત મળી રહેશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dpOjiF
via IFTTT

Post a Comment

Previous Post Next Post