પૂર્વમાં રસીના ધાંધિયા, બંધ સેન્ટરો, સ્ટોકની અછત વચ્ચે લોકો ધક્કે ચઢ્યા

અમદાવાદ,તા.27 જૂન 2021, રવિવાર

પૂર્વ અમદાવાદમાં કોરોના વેક્શિનને લઇને લોકોની હાલાકી વધી ગઇ છે. છેલ્લા ત્રણેક દિવસથી રસીનો સ્ટોક ઓછો આવવો, કેટલાક સેન્ટરો બંધ થવા, સ્થળ પર રજિસ્ટ્રેશનમાં સમસ્યા સર્જાવી, કોવિશિલ્ડ વેક્સિન ન હોવી સહિતની સમસ્યાથી રસીકરણની કામગીરી ખોરંભે ચઢી  છે. લોકો સેન્ટરો પર ધક્કા ખાઇ રહ્યા છે. બીજા ડોઝ માટેના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા લોકો માટે આ સમય સૌથી મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે.

તા.૧ જુલાઇ પછી બીજો ડોઝ લેનારાઓની સંખ્યા વધશે ત્યારે સ્થિતિ વધુ તંગ બનવાની શક્યતા છે. અર્બન હેલ્થ સેન્ટરોમાં ફક્ત ૨૦૦ રસીઓ આવી રહી છે જેની સામે ૪૦૦ લોકોનું ટોળું ઉભું હોય છે. આ સ્થિતિમાં અવ્યવસ્થા સર્જાઇ રહી છે. અધિકારીઓ પાસે તેનો જવાબ નથી, સ્પોર્ટ રજિસ્ટ્રેશન અને રસીની વાતો વચ્ચે નવાઇની વાત એ છેકે જેઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને પણ રસી માટે ફાંફા પડી રહ્યા છે.

વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ  યુનાઇટેડ સ્કૂલમાં ગત શુક્રવારથી રસીકરણ કેન્દ્ર બંધ કરી દેવાયું છે. અગાઉ  તા.૨૧ જુલાઇએ સેન્ટર જાહેર કર્યું હવે લોકો રસી લેવા આવે છે તો સેન્ટર બંધ જોવા મળતા લોકો રોષે ભરાયા છે. ધક્કાખાઇને લોકો કંટાળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો પરેશાન થઇ રહ્યા છે.

વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટરમાં રોજના ફક્ત ૨૦૦ ડોઝ આવી રહ્યા છે. લોકોની ભીડ સામે આ સ્ટોકની માત્રા ઓછી પડી રહી છે.અમરાઇવાડી હેલ્થ સેન્ટરમાં પણ આ સ્થિતિ વચ્ચે લોકો ધક્કે ચઢ્યા છે. અમરાઇવાડી મ્યુનિ.સ્કૂલમાં ઓછા ડોઝ આવતા હોવાથી લોકોને ત્યાંથી પણ નિરાસા સાંપડી રહી છે.

ઓઢવ કરશનનગર ગુજરાતી મ્યુનિ.શાળામાં ૨૦૦ રસી આવે છે. જ્યાં ૧૮ થી ૪૪ વર્ષના લોકોને રસી મૂકાય છે. જ્યારે ૪૫ પ્લાસવાળાઓને રસી મૂકવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી છે.   આજે રવિવારે કુબેરનગર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ અપુરતી રસીના સ્ટોક વચ્ચે લોકો હાલાકીમાં  મૂકાયા હતા. ત્યાં ફક્ત ૫૦ ડોઝ હતા અને બાકીના ડોઝ  અન્ય એક ધાર્મિક રસીકરણ કેમ્પમાં મોકલી દેવાયા હોવાથી લોકોને હાલાકીમાં મુકાવું પડયું હતું. બંને જગ્યાએ અપુરતા રસીના ડોઝ વચ્ચે લોકો ધક્કે ચઢ્યા હતા.

સૈજપુર ટાવર પાસે આવેલી મ્યુનિ.વોર્ડ ઓફિસમાં  ચાલતા કૃષ્ણનગર અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટેના રસીકરણની કામગીરી બંધ રહી હતી. ફક્ત ૪૫ પ્લસ વયજૂથના લોકો માટે કોવેક્શિન રસીનો જથ્થો હતો. કોવિશિલ્ડ રસીનો જથ્થો ન હોવાથી પ્રથમ અને બીજા ડોઝની કામગીરી બંધ રખાઇ હતી. આ અંગેની સુચના પણ નોટિસ બોર્ડમાં મારી દેવાઇ હતી.

શારદાબહેન હોસ્પિટલમાં  કોમ્પ્યુટરમાં ખામી હોવાથી સ્પોર્ટ રજિસ્ટ્રેશનમાં સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે રસીનો સ્ટોક હોવા છતાંય લાભાર્થીને રસી મૂકવામાં આવી રહી ન હોવાની ફરિયાદ પણ ઉઠી છે. સરસપુર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આવી જ સમસ્યા પ્રવર્તી રહી છે.

રામોલ-હાથીજણ વોર્ડમાં રામોલ, જનતાનગર, હાથીજણ સ્વામિનારાયણ ગુરૂકુળ અને મ્યુનિ.સ્કૂલના સેન્ટરોમાં છેલ્લા બે દિવસથી રસી આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.

આગામી તા.૩૦ જૂન સુધીમાં વેપારીઓએ રસી મૂકાવી લેવી ફરજિયાત છે તેથી હાલમાં વેપારીઓ પણ રસીકરણ સેન્ટરો પર દોડી રહ્યા છે. રસીનો સ્ટોક ઓછો અને લોકોની ભીડ વધુ આ સ્થિતિમાં અવ્યસ્થા સર્જાઇ રહી છે. વેપારીઓએ રસી લેવાની ડેટલાઇન વધારવાની માંગણી કરી છે. બીજી તરફ કોવિશિલ્ડ રસીનો સ્ટોફ ન હોવાથી બીજા ડોઝ માટે લોકો ફાંફે ચઢ્યા છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dCWrN5
via IFTTT

Post a Comment

أحدث أقدم