અમરનાથ યાત્રા સતત ત્રીજા વર્ષે પણ રદ થતા હજારો શિવભક્તો નિરાશ

અમદાવાદ,તા.23 જૂન 2021, બુધવાર

અમરનાથ યાત્રા રદ થતા લાખો શીવભક્તોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. છેલ્લા બે વર્ષથી રદ  રહેલી આ યાત્રા હવે ત્રીજા વર્ષે પણ રદ કરી દેવાતા અમદાવાદથી અમરનાથ યાત્રાએ જવા માંગતા હજારો શિવભક્તો ખૂબ જ નિરાશ થઇ ગયા  છે. યાત્રા માટે છેલ્લા ચાર માસથી પૂર્વ તૈયારીઓ કરી હતી. મેડિકલ ચેકઅપ, રજિસ્ટ્રેશન, રેલ-હવાઇ અને ખાનગી ટ્રાવેલ્સની ટિકિટ બુકિંગ, હોટલ બુકિંગ સહિતની તમામ તૈયારીઓ માથે પડી હોવાની લાગણી શિવભક્તો અનુભવી રહ્યા છે. વર્ષમાં એક વખત બાબા બર્ફાનીની દર્શન થતા હોય છે હવે તે પણ આ વર્ષે નહીં થાય તે વિચારમાત્રથી ભક્તોની લાગણીને ભારે ઠેસ પહોંચી છે.

પૂર્વ અમદાવાદમાં શાહપુરથી 'શાહપુર બાબા બર્ફાની ગુ્રપ'માં  દર વર્ષે ૧૨૫ જેટલા શિવભક્તો છેલ્લા ૨૦ વર્ષથી અમરનાથયાત્રાએ જતા હોય  છે. છેલ્લી ઘડીએ અને અચાનક કોરોના સંક્રમણનું કારણ આગળ ધરીને અમરનાથ સાઇન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા વર્ષ -૨૦૨૧ રદ કરી દેવાતા શિવભક્તોમાં રોષની લાગણીની સાથે નિરાશા વ્યાપી જવા પામી છે.

આ અંગે શિવભક્તોના જણાવ્યા મુજબ અમરનાથા યાત્રા વર્ષમાં એક વખત યોજાતી હોય છે. તે માટે ચાર માસથી તૈયારીઓ કરવી પડે છે. અમદાવાદમાં સોલા સિવિલ, અસારવા સિવિલ, એલ.જી.હોસ્પિટલ,  વી.એસ હોસ્પિટલ, સિંગરવા સીએચસીમાં મેડિકલ સર્ટી લેવા માટે બેથી ચાર દિવસ દોડવું પડે છે. મેડિકલ સર્ટિ માટે વ્યક્તિદીઠ ૨૪૦ રૂપિયાનો ખર્ચો થાય છે.

ત્યાર બાદ  યાત્રાની મંજૂરી માટે ઓનલાઇન અને ઓફ લાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં ૧૦૦ રૂપિયાનો ખર્ચો થાય છે. યાત્રા તા.૨૮ જૂનથી તા.૨૨ ઓગષ્ટ સુધીના ૫૬ દિવસ માટે યોજાવાની હતી. આ માટે એડવાન્સમાં ટ્રેન ટિકિટ, હવાઇ ટિકિટ બુક કરવા ઉપરાંત ખાનગી ટ્રાવેલ્સનું બુકિંગ, હોટલ બુકિંગ કરાવવું પડે છે. આ માટે પણ એડવાન્સમાં પૈસા ભર્યા હોય છે. યાત્રાની પુરજોશમાં તૈયારી છતાંય હવે અમરનાથ યાત્રાા  છેલ્લી ઘડીએ જ રદ કરી દેવાઇ હોવાથી ચાર માસની તૈયારી પણ પાણી ફરી વળ્યું છે. 

ભગવાન શિવના દર્શનની આશા સતત ત્રીજા વર્ષે પણ પડી ભાગી છે. શિવભક્તો માંગણી કરી રહ્યા છેકે યાત્રાને અમુક દિવસ પુરતી અને અમુક સંખ્યામાં ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે કે જેથી શિવભક્તો તેમના આરાધ્ય દેવના વર્ષમાં એક વખત દર્શન કરીને ધન્ય બની શકે.

યાત્રા રદ થવાની સ્થિતિમાં લાખો શિવભક્તોએ જે એડવાન્સમાં બુકિંગ કરાવ્યા હોય તેનું પુરેપુરૂ રિફંડ આપવામાં આવે તેવી પણ સરકાર વ્યવસ્થા કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

ચૂંટણી રેલીમાં નહીં પરંતુ  શું  ધાર્મિક યાત્રામાં કોરોના નડે છે ? .. શિવભક્તો

કોરોના કાળમાં ચૂંટણી યોજાઇ શકે ?, હજારો લોકોની ઉપસ્થિતિમાં ચૂંટણી રેલીઓ ગાજવી શકાય  છે  પરંતુ વર્ષમાં એક વખત ભગવાનના દર્શન કરવા જવામાં કોરોના નડે તે બાબત લાખો શિવભક્તોને ખડકી રહી છે.

શિવભક્તોના જણાવ્યા મુજબ એકબાજુ સરકાર દાવો કરે છેકે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ ઘટયા છે. તેને જોતા વિવિધ રાજ્યોમાં અન લોકડાઉનમાં  ભારે છૂટછાટો પણ આપવાની ચાલુ કરાઇ છે. ધીમીધીમે ધાર્મિક સ્થળો પણ ખૂલી રહ્યા છે. જાહેર પરિવહનની સેવા ચાલુ થઇ છે. બીજી તરફ વેક્શિનેશન પણ પુરજોશમાં  ચાલી રહ્યું છે. તો પછી અમરનાથ યાત્રાને કેમ  કોરોનાના બહાને સતત બીજા વર્ષે પણ સંપૂર્ણ રદ કરી દેવાઇ ?, યાત્રામાં જનારે વેક્શિનેશન કરાવી લીધું છે, આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવ્યા છે, કોવિડ-૧૯ની તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું પણ કહે છે તો પછી યાત્રા કેમ યથાવત ન રખાઇ ? આ મામલે શિવભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Qzstv
via IFTTT

Post a Comment

Previous Post Next Post