
કોળી સમાજ પાટીદારોના માર્ગે, શક્તિ પ્રદર્શનના મૂડમાં
સામાજિક જ નહીં, રાજકીય પ્રભુત્વ જળવાય માટે મનોમંથન અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ બેઠક બોલાવાઇ
અમદાવાદ : પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યા બાદ હવે કોળી સમાજ પણ રાજકીય પ્રભુત્વ મેળવવા મેદાને પડયો છે. ત્રણેક દિવસ પહેલાં જ ભાવનગરમાં કોળી સમાજની બેઠક મળી હતી. રવિવારે ફરી એકવાર સોમનાથ નજીક પ્રાચીમાં અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ બેઠક મળનાર છે. આ બેઠકમાં ભાજપના બે કોળી મંત્રી કુંવરજી બાવળિયા અને મંત્રી પુરષોતમ સોલંકીને આમંત્રણ પાઠવાયુ છે.
ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠકમાં હવે ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ તેવી માંગ હતી ત્યાર બાદ જાણે કોળી સમાજને ય ભાજપમાં રાજકીય અન્યાય થઇ રહ્યો છે તેવો વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.
ખુદ મંત્રી પુરષોતમ સોલંકી પણ માછીમારોને ભાજપ સરકારે કઇં આપ્યુ નથી તેવો ઉભરો કાઢી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. નારાજ મંત્રી સોલંકી કેબિનેટની બેઠકમાં ય સૂચક રીતે ગેરહાજર રહ્યા હતાં.આમ,સરકારના મંત્રીમંડળમાં ય રાજકીય ડખા હોવાનુ બહાર આવ્યુ છે.
આ દરમિયાન, ભાવનગરમાં વિર માંધાતા ગૃપની બેઠક મળી હતી જેમાં સામાજીક દૂષણોથી માંડીને રાજકીય મનોમંથન કરવામાં આવ્યુ હતું. એવી ચર્ચા છેકે, આ ગૃપ મંત્રી પુરષોત્તમ સોલંકીના સમર્થકોનું છે.
રવિવારે પ્રાચીમાં મળનારી બેઠક અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ બોલાવાઇ છે. મંત્રી કુંવરજી બાવળિયા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. હવે તેઓ હાજર રહે છેકે કેમ તે જોવાનુ રહ્યુ. મંત્રી પુરષોતમ સોલકી ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાને ય આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
કોળી નેતાઓનું કહેવુ છેકે, આ બેઠકનો મુખ્ય એજ્ન્ડા એછેકે, કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઇ રહ્યો છે.ભાજપ-કોંગ્રેસના કોળી નેતાઓ ચૂંટણી વખતે પક્ષની તરફેણ કરે છે.હકીકતમાં સમાજ પહેલા,પછી પક્ષ. એ વાત કરવા માટે કોળી નેતાઓ એકમંચ પરલાવવાનો આ પ્રયાસ છે. ટૂંકમાં આ બેઠક થકી કોળી સમાજ પણ પાટીદારોના માર્ગે જઇ રહ્યાં છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qrDd25
via IFTTT
Post a Comment