અમદાવાદ,તા.26 જૂન 2021,શનિવાર
હાટકેશ્વર-જોગેશ્વરીનો માર્ગ છેલ્લા પંદરેક દિવસથી બંધ હોવાથી વાહનચાલકોએ સીટીએમ અને સ્વસ્તિક ચાર રસ્તાના વૈકલ્પિક માર્ગેથી ફરીફરીને જવાની ફરજ પડે છે. ગણેશ મંદિર પાસે મોટો ભૂવો પડયો હતો અને તેની મરામતનું કામ મંથરગતિએ ચાલી રહ્યું હોવાથી આ સ્થિતિ નિર્માણ પામી હોવાનું રહીશોનું કહેવું છે. હાટકેશ્વરથી વન્ડર પોઇન્ટ તરફ જતા હજારો વાહનચાલકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ભૂવાનું કામ સત્વરે કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
હાટકેશ્વર વિસ્તારમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ખોખરા પોલીસ સ્ટેશન પાસે ભૂવો પડયો, મણિનગર-ખોખરા માર્ગ પર બાલકૃષ્ણ સોસાયટી પાસે મોટો ભૂવો પડયો, લક્ષ્મીનારાયણ સોસાયટીના માર્ગ પર ભૂવો પડયો છે. આ ભૂવાઓ તાજેતરમાં પડેલા છે.
હાટકેશ્વર-ખોખરામાં લગભગ તમામ માર્ગ પર ભૂવાઓ પડી ચૂક્યા છે. હાટકેશ્વરથી અજિત મીલ જવા માર્ગે પણ ઠેરઠેર ભૂવાઓ પડયા છે. વર્ષો જૂની ગટર-પાણીની લાઇનો, આડેધડ કરાતા ખોદકામ, ખોદકામ બાદ પુરાણ કામમાં દાખવાતી અક્ષ્મય બેદરકારી સહિતના કારણોસર ભૂવાઓ પડયા જ કરે છે જેના કારણે રહીશોએ હાલાકીમાં મૂકાવાનો વારો આવે છે.
નોંધપાત્ર છેકે હાટકેશ્વર સામાન્ય વરસાદમાં બેટમાં ફેરવાઇ જાય છે. અગાઉના વર્ષોમાં તો હાટકેશ્વરમાં રેસ્ક્યુ ઓપરેશન માટે હોડીઓ ફરી હોવાના પણ દાખલા છે. નીચાણવાળો વિસ્તાર, ઉપરાંત ગટર-પાણી અને સ્ટ્રોમ વોટર લાઇનનું બોદુ માળખું લોકોને નડી રહ્યું છે.
આ વિસ્તારના રહીશો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમ છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા લોકોને પજવતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પુરતા પ્રયાસો કરાતા ન હોવાનું રહીશો આક્રોશભેર જણાવી રહ્યા છે.
હાટકેશ્વરમાં કયા વિસ્તારમાં પાણી ભરાય છે તે બાબત મ્યુનિ.તંત્રના ધ્યાને હોવા છતાંય તેના નિકાલ માટે મજબૂત સ્ટ્રોમ વોટર લાઇનનું માળખું પાથરવામાં બેદરકારી દાખવાઇ રહી છે. જેને લઇને રહીશો દર ચોમાસામાં રોડ પર ભૂવા પડવા, પાણી ભરાવા, ઝાડ પડવા સહિતની સમસ્યાથી પરેશાની ભોગવે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gXVzEz
via IFTTT
إرسال تعليق