
રાહુલ ગાંધીના ફર્ધર સ્ટેટમેન્ટની કાર્યવાહીમાં મોટાભાગના સવાલોના નકારમાં જવાબ આપ્યા: વધુ સુનાવણી તા.12 જુલાઇએ
સુરત : સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલતા માનહાનિના કેસમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેની કોર્ટમાં હાજર રહ્યા હતા.
દોઢેક કલાક ફર્ધર સ્ટેટમેન્ટની કાર્યવાહી બાદ કોર્ટને વધુ સુુનાવણી આગામી તા.12 જુલાઇએ રાખી છે. બે વર્ષ પહેલા કર્ણાટકની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીના ઉચ્ચારણોમાં મોઢ વણિક સમાજની બદનક્ષી કરાયાની ફરિયાદ સુરતમાં કોર્ટમાં નોંધાવાઇ હતી જેની આજે મુદત હતી.
કર્ણાટકના બેંગ્લોર નજીક તા.13-4-2019ના રોજ લોકસભાની ચુંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આર્થિક ગુનેગાર નિરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી વગેરે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના કરીને ચોરનું ઉપનામ આપ્યું હતુ.
વધુમાં બધા જ ચોરોનું ઉપનામ મોદી કેમ હોય છે ? એવો સવાલ કરીને રાહુલ ગાંધીએ રાફેલ ડીલ સંદર્ભે ટીપ્પણી કરી હતી. તેમાં સમસ્ત મોઢ વણિક સમાજની બદનક્ષી થઇ હોવાનું જણાવી સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂધ્ધ સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ઈપીકો-499,500 બદલ ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લાં બે વર્ષોથી ચાલતી કેસ કાર્યવાહીમાં આરોપી રાહુલ ગાંધીને કોર્ટ મુદતમાં હાજર રહેવામાંથી કાયમી મુક્તિ છે. પરંતુ ફરિયાદ સંદર્ભે આરોપીના વિશેષ જવાબ માટે રાહુલ ગાંધીને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો કોર્ટે નિર્દેશ આપ્યો હતો. જેથી આજે સવારે 10-30 વાગ્યે રાહુલ ગાંધી કોંગ્રેસના અગ્રણી નેતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત સ્થાનિક કોંગ્રેસી અગ્રણીઓ સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા.
સુનાવણીમાં ફરિયાદપક્ષે રજૂ કરેલા પુરાવા સદંર્ભે રાહુલ ગાંધીનો ખુલાસો પુછાયો હતો. રાહુલ ગાંધીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે તેમના વિશેષ નિવેદન દરમિયાન રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે તા.13-4-19ના રોજ બેંગ્લોર કોલાર ખાતે યોજાયેલી લોકસભાની ચુંટણીની સભામાં તેમણે જાહેર ભાષણ આપ્યું હતુ.
જેમાં વિરોધપક્ષના નેતા તરીકે તેમણે મોંઘવારી,બેરોજગારી,કોમી એખલાશ,ગરીબી નાબુદી જેવા રાષ્ટ્રીય સમસ્યા સહિત રાફેલ ડીલના સોદા બાબતે ગોબાચારીના મુદ્દે નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા હતા. જે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની ફરજ હતી. રાહુલ ગાધીએ મોટાભાગના સવાલોનો તેમણે નકારમાં જવાબ આપ્યો હતો. તેમજ લેખિતમાં નિવેદન આપ્યું હતું.
મોદી સમાજ નામે કોઈ સમાજ વર્ગીકૃત થયો નથી તેથી બદનક્ષી થઈ શકે નહીં
મોદી સમાજની બદનક્ષીના આક્ષેપ સંદર્ભે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સમાજ નામનો કોઈ સમાજ જ વર્ગીકૃત્ત થયો નથી તેથી તેની બદનક્ષી થઈ શકે નહીં. તેમ છતાં તેઓ દરેક જાતિ અને ધર્મ પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના રાખે છે. તેથી કહેવાતા મોદી સમાજની તેઓએ બદનક્ષી કરી નથી. તેમણે જે કહ્યું તે નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જ કહ્યુ હતુ. જો કે ઘણાં બધાં ભાષણો આપ્યા હોઈ ચોક્કસ શબ્દો યાદ ન જ હોય તેમની સામે હાલની ફરિયાદ ખોટી રીતે અને અશુધ્ધબુધ્ધિથી કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35NCuyL
via IFTTT
إرسال تعليق